સત્ય. સાહસ. સંકલ્પ.

ગુજરાતમાં વીજળીની માગ ઐતિહાસિક સપાટીએ, ઉદ્યોગોને સાંજે 5 કલાક વપરાશ ઘટાડવા અપીલ

ગુજરાતમાં વીજળીની માગ ઐતિહાસિક સપાટીએ, ઉદ્યોગોને સાંજે 5 કલાક વપરાશ ઘટાડવા અપીલ

ગુજરાતમાં આ વર્ષે ઓક્ટોબર મહિનામાં પણ ગરમી યથાવત્ રહેતાં વીજળીની માગ ઐતિહાસિક સપાટીએ પહોંચી છે. રાજ્યમાં વીજળીની પીક ડિમાન્ડ 29,822 મેગાવોટ નોંધાઈ છે, જે અગાઉના વર્ષોના રેકોર્ડ કરતાં વધુ છે. સામાન્ય રીતે ઉનાળામાં વીજળીની સૌથી વધુ માગ નોંધાતી હોય છે, પરંતુ આ વખતે ઓક્ટોબરમાં જ આંકડો ઊંચો ગયો છે.

ઊર્જામંત્રી ઋષિકેશ પટેલે ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજીને ઉદ્યોગોને સાંજે 5 થી 10 વાગ્યા દરમિયાન વીજળીનો વપરાશ ઘટાડવા અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે ઓક્ટોબરમાં તાપમાન ઘટવા છતાં વપરાશમાં અચાનક વધારો થયો છે અને સાંજના સમયે માગ અને પૂરવઠા વચ્ચે અસંતુલન સર્જાયું છે. જોકે, સરકારે ઉદ્યોગો પર કોઈ ફરજિયાત પ્રતિબંધ મૂક્યો નથી, પરંતુ સ્વૈચ્છિક ધોરણે વપરાશ ઘટાડવા વિનંતી કરી છે.

આ સ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત વીજકંપનીના અધિકારીઓ વધુ વીજળીની માગ સાથે દિલ્હી પહોંચ્યા છે. કેન્દ્ર સરકાર તરફથી આશરે 1,000 મેગાવોટ વધારાની વીજળી મળવાની ખાતરી મળી છે. ઉપરાંત, ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે સાંજે 4 વાગ્યા સુધીમાં પવન અને સૌર ઊર્જા મારફતે 3,000 મેગાવોટથી વધુ વીજળી ઉપલબ્ધ થઈ રહી છે.

જૂન 2026માં રાજ્યમાં વીજળીની પીક ડિમાન્ડ 26,834થી 28,833 મેગાવોટ વચ્ચે રહી હતી, જ્યારે 15 ઓક્ટોબર 2026ના રોજ તે 29,822 મેગાવોટ પર પહોંચી. આમ, ઉનાળાની સરખામણીએ પણ વીજળીની જરૂરિયાત વધુ ઊંચી ગઈ છે. વધતી ઔદ્યોગિક પ્રવૃત્તિ, વાણિજ્યિક વપરાશ અને ઘરેલુ જરૂરિયાતને આ વધારા પાછળનાં મુખ્ય કારણો ગણાવવામાં આવી રહ્યાં છે.

વીજળીના વપરાશના આંકડા પણ માગમાં થયેલો વધારો દર્શાવે છે. જૂન 2026માં રાજ્યમાં 586 મિલિયન યુનિટ વીજળીનો વપરાશ નોંધાયો હતો, જ્યારે જૂન 2025માં આ આંકડો 529 મિલિયન યુનિટ હતો. છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતની વીજળીની માગનો ચક્રવૃદ્ધિ વાર્ષિક વૃદ્ધિદર આશરે 12 ટકા અને છેલ્લા ત્રણ વર્ષનો આશરે 10 ટકા રહ્યો છે.

ઊર્જા ક્ષેત્રના અંદાજ પ્રમાણે, 2027માં રાજ્યની મહત્તમ વીજળીની માગ 32,500 મેગાવોટને પાર પહોંચી શકે છે. આ સંભાવનાને ધ્યાનમાં રાખીને વીજ ઉત્પાદન, બહારથી વીજળીની ખરીદી અને કોલસાની ઉપલબ્ધતા અંગે અગાઉથી આયોજન કરવું જરૂરી બન્યું છે. સાણંદ અને દહેજ જેવા ઔદ્યોગિક વિસ્તારોમાં વીજપુરવઠાના નિયંત્રણ અંગે ઉદ્યોગજગતે ચિંતા વ્યક્ત કરી છે.