સત્ય. સાહસ. સંકલ્પ.

ગુજરાતમાં વીજળીની માંગ 29,822 મેગાવોટની ઐતિહાસિક ટોચ પર, સરકારે પાવર કટની અફવાઓ ફગાવી

ગુજરાતમાં વીજળીની માંગ 29,822 મેગાવોટની ઐતિહાસિક ટોચ પર, સરકારે પાવર કટની અફવાઓ ફગાવી

ગુજરાતમાં આજે પણ ગરમી અને તહેવારોની મોસમ ચાલી રહી છે. આ દરમિયાન રાજ્યમાં વીજળીની માંગે સર્વકાલીન વિક્રમ સર્જ્યો છે. 16 ઓક્ટોબર 2026ના રોજ રાજ્યની મહત્તમ વીજ માંગ 29,822 મેગાવોટ સુધી પહોંચી હતી, જે અત્યાર સુધીનો સૌથી ઊંચો આંકડો છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં આ માંગ 21,822 મેગાવોટ હતી, એટલે કે એક વર્ષમાં 36.6 ટકાનો વધારો થયો છે.

દૈનિક વીજ વપરાશ પણ 574 મિલિયન યુનિટ પર પહોંચ્યો છે, જે ગયા વર્ષે 457 મિલિયન યુનિટ હતો. આ 27 ટકાનો વધારો દર્શાવે છે. કુલ વપરાશમાં PGVCL વિસ્તારનો હિસ્સો 30 ટકા, DGVCL અને UGVCLનો 22-22 ટકા, MGVCLનો 10 ટકા અને અન્ય ડિસ્કોમનો 16 ટકા છે.

માંગ વધવા પાછળ કેટલાક કારણો જવાબદાર છે. 'અલ નીનો'ની અસરને કારણે તાપમાન ઊંચું રહેતાં એસી અને પંખાનો ઉપયોગ વધ્યો છે. ખેડૂતોને સિંચાઈ માટે પૂરતા કલાકો વીજળી આપવામાં આવી રહી છે, જેનાથી કૃષિ લોડ દૈનિક 12,000 મેગાવોટ સુધી પહોંચ્યો છે. નવરાત્રી અને દિવાળીના તહેવારોને કારણે ઉદ્યોગોમાં ઉત્પાદન વધ્યું છે. બીજી તરફ, ઓછા વરસાદ અને ધીમા પવનને કારણે હાઇડ્રો અને પવન ઊર્જાનું ઉત્પાદન ઘટ્યું છે.

આ પરિસ્થિતિનો સામનો કરવા ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલ અને રાજ્ય મંત્રી કૌશિક વેકરીયાની અધ્યક્ષતામાં ઊર્જા વિભાગ અને વીજ કંપનીઓના ઉચ્ચ અધિકારીઓની સમીક્ષા બેઠક મળી હતી. સરકારે સ્પષ્ટતા કરી છે કે પાવર કટ થશે નહીં. સાંજે 5 થી 11 વાગ્યા સુધી સોલાર ઊર્જા ઉપલબ્ધ ન હોવાથી કોલસા અને ગેસ આધારિત પ્લાન્ટનો મહત્તમ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

કેન્દ્રના કોલસા મંત્રાલયે નવેમ્બર સુધી રોજના 10-11 રેક અને ત્યારબાદ 13-14 રેક કોલસો આપવાની ખાતરી આપી છે. કેન્દ્રના વિવિધ પાવર જનરેશન ફાળામાંથી 1,379 મેગાવોટ વધારાની વીજળી મળશે. રાજ્યની 12,000 મેગાવોટ સોલાર ઊર્જાનો મહત્તમ ઉપયોગ થાય તે માટે ખેતીવાડીનો લોડ દિવસના સમયે શિફ્ટ કરાયો છે. ઓક્ટોબર માટે 2,990 મેગાવોટ, નવેમ્બર માટે 1,740 મેગાવોટ અને ડિસેમ્બર માટે 1,335 મેગાવોટના શોર્ટ-ટર્મ કરાર કરાયા છે.

ભવિષ્ય માટે સરકારે 'બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ' (BESS) પર ભાર મૂક્યો છે. હાલ 192 મેગાવોટ BESS કાર્યરત છે અને માર્ચ 2027 સુધીમાં વધુ 500 મેગાવોટ કાર્યરત થશે. 2028-29 સુધીમાં કેન્દ્રીય થર્મલ અને હાઇડ્રો સ્ટેશનોમાંથી 2,500 મેગાવોટથી વધુ વીજળી મળશે. 2031-32ની જરૂરિયાત માટે કેન્દ્ર પાસે 5,000 મેગાવોટની વધારાની માંગણી કરાઈ છે. GUVNL શક્તિ સ્કીમ હેઠળ 4,000 મેગાવોટના નવા ટેન્ડર બહાર પાડશે. NPCIL સાથે 4,200 મેગાવોટના ન્યુક્લિયર પ્રોજેક્ટ માટે MoU થયા છે, જેનું પ્રથમ યુનિટ 2032 સુધીમાં શરૂ થશે. ઉકાઈ ખાતે 800 મેગાવોટનો નવો પ્લાન્ટ 2029થી વીજળી આપશે.