રાજ્યમાં ચોમાસાની વિદાય સાથે જ માર્ગોની હાલત ખૂબ ખરાબ થઈ ગઈ છે. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ જેવા મોટા શહેરોમાં રસ્તાઓ પર ખાડા પડી જવાથી વાહનચાલકોને ભારે તકલીફ પડી રહી છે. ઘણી જગ્યાએ રસ્તાનું ડામર ઉખડી જતાં અંદરના સળિયા બહાર આવી ગયા છે, જેના કારણે અકસ્માતનો ભય વધી ગયો છે.
અમદાવાદના ગોતા વિસ્તારમાં રસ્તાઓ એટલા બગડી ગયા છે કે ત્યાંથી પસાર થવું જોખમી બન્યું છે. વડોદરા અને સુરતને જોડતા માર્ગો પર માત્ર બે વર્ષમાં જ મોટી તિરાડો પડી ગઈ છે. રાજકોટ-ભાવનગર હાઈવે પર આટકોટ નજીક ડામર ઉખડી જવાથી ખુલ્લા સળિયા દેખાય છે, જે ગંભીર અકસ્માતનું કારણ બની શકે છે. ધોરાજીમાં પણ ખાડામાં પાણી ભરાઈ જવાથી વાહનચાલકો મુશ્કેલી અનુભવી રહ્યા છે.
સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે જે રસ્તાનું છ મહિના પહેલાં જ સમારકામ થયું હતું, તે પહેલા વરસાદમાં જ બગડી ગયો. માર્ગ અને મકાન વિભાગ તથા સ્થાનિક તંત્ર ધ્યાન ન આપતાં વાહનોને નુકસાન થઈ રહ્યું છે. લોકોએ તાત્કાલિક ગુણવત્તાયુક્ત સમારકામની માંગ કરી છે અને ચેતવણી આપી છે કે જો રસ્તા સરખા નહીં થાય તો તેઓ ઉગ્ર આંદોલન કરશે.
અધિકારીઓ કહે છે કે વિદેશોમાં પણ રસ્તા પર પાણી ભરાય છે, પરંતુ તેઓ એ ભૂલી જાય છે કે ત્યાંની વ્યવસ્થા અને આપણી વ્યવસ્થામાં ઘણો ફરક છે. ત્યાં સરકાર લોકો પાસેથી ટેક્સ લઈને ઉચ્ચ ગુણવત્તાની સુવિધાઓ આપે છે, જ્યારે અહીં ભ્રષ્ટાચાર અને નબળી કામગીરી જોવા મળે છે. જે રસ્તા એક વર્ષ પણ ટકતા નથી, તેમને સ્પેસ ટેક્નોલોજીથી બનાવવાના દાવા ખોखલા પુરવાર થાય છે.