ગાંધીનગર, અમદાવાદ અને વિદ્યાનગરમાં નોંધાયેલી ચાર રાજકીય પાર્ટીઓએ રાજકીય હેતુને બદલે કથિત રીતે કાળા નાણાંને સફેદ કરવાનો ખેલ કર્યો હોવાનું ઇન્કમટેક્સ વિભાગની ફરિયાદમાં જણાવાયું છે. આ કેસમાં કુલ 2283 કરોડ રૂપિયાની હેરફેરની વાત સામે આવી છે. ઇન્કમટેક્સની ફરિયાદ બાદ CID ક્રાઇમે તપાસ શરૂ કરી છે, જેમાં ગરીબ કલ્યાણ પાર્ટી, ભારતીય નેશનલ જનતા દળ, સ્વતંત્રતા અભિવ્યક્તિ પાર્ટી અને સત્યરક્ષક પાર્ટીના પ્રમુખો અને અન્ય સંચાલકો સામેલ છે.
સીઆઇડી ક્રાઇમના અધિકારીઓએ ઇન્કમટેક્સ વિભાગ પાસેથી દાન આપનારાઓની યાદી મેળવી છે. આ યાદીમાં દેશભરમાંથી 80,000થી વધુ લોકોના નામ છે. તપાસ એજન્સીઓનું કહેવું છે કે ફક્ત પાર્ટીના પ્રમુખો કે સંચાલકો પૂરતી તપાસ મર્યાદિત નહીં રહે, પરંતુ મોટી રકમનું દાન આપનારાઓ સામે પણ કાર્યવાહી થઈ શકે છે. ઇન્કમટેક્સ વિભાગ તેમની સામે કરચોરીની કાર્યવાહી કરી શકે છે, અને જરૂર પડ્યે પોલીસ ધરપકડ સુધીનું પગલું ભરી શકે છે.
પ્રાપ્ત માહિતી મુજબ, અમદાવાદના નાના ચિલોડામાં આવેલા શ્રીનાથ શોપિંગ સેન્ટરના સરનામે રજિસ્ટર થયેલી ગરીબ કલ્યાણ પાર્ટીના ધીરજ ક્ષત્રિય, નીરજ ક્ષત્રિય અને ધનંજય રાજપૂત સહિતના લોકોએ પાર્ટીના નામે 206 કરોડ રૂપિયાનું દાન મેળવ્યું હોવાનું અને તેને અન્ય કંપનીઓમાં હિસાબ પેટે ટ્રાન્સફર કરીને બનાવટી બિલ અને ઇન્વોઇસની મદદથી છેતરપિંડી કર્યાનું ફરિયાદમાં નોંધાયું છે.
આ જ રીતે ગાંધીનગર સેક્ટર-11ના મેઘ મલ્હાર કોમ્પ્લેક્સના સરનામે રજિસ્ટર થયેલી ભારતીય નેશનલ જનતા દળના સંચાલક સુરેન્દ્ર ગજેરા અને અન્ય આરોપીઓએ 1143 કરોડ રૂપિયાની હેરફેર કરી હોવાનું જણાવાયું છે. નરોડા-સૈજપુર બોઘા વિસ્તારના મહાવીરનગરમાં આવેલી સ્વતંત્રતા અભિવ્યક્તિ પાર્ટીના પ્રમુખ સુરેન્દ્ર તિવારી અને અન્ય લોકોએ 519 કરોડ રૂપિયાનું દાન મેળવીને ઉચાપત કર્યાનો આરોપ છે. વિદ્યાનગરમાં આવેલી સત્યરક્ષક પાર્ટીએ 415 કરોડ રૂપિયાનું દાન લીધું હોવાનું સામે આવ્યું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, આ કેસમાં અન્ય રાજકીય પાર્ટીઓ પણ શંકાના ઘેરામાં છે. તેમની સામે પણ તપાસ ચાલી રહી છે અને રિપોર્ટ તૈયાર થયા બાદ કાર્યવાહી કરવામાં આવશે. દાનની રકમ અન્ય રાજ્યોમાંથી પણ આવી હોવાથી CID ક્રાઇમ અન્ય રાજ્યોની પોલીસની મદદ લેશે. દાન આપનારાઓમાં અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ અને સુરત સહિતના શહેરોના લોકો ઉપરાંત બિલ્ડર, રાજકારણીઓ અને મોટા વેપારીઓ પણ હોવાનું સામે આવ્યું છે.
તપાસને વેગ આપવા માટે CID ક્રાઇમ પોલીસ અધિકારીઓની ટીમ તૈયાર કરવામાં આવશે. શરૂઆતમાં ચોક્કસ રકમથી વધુનું દાન આપનારાઓની અલગ યાદી બનાવીને તેમની પૂછપરછ કરવામાં આવશે. ઇન્કમટેક્સ અને પોલીસનો સંયુક્ત એક્શન પ્લાન તૈયાર થઈ રહ્યો છે.