ગુજરાતમાં 2024ની લોકસભા ચૂંટણી દરમિયાન 23 રાજકીય પક્ષોએ 4000 કરોડ રૂપિયાથી વધુનું બોગસ ડોનેશન મેળવ્યું હોવાનું ઇન્કમટેક્સ વિભાગના દરોડામાં સામે આવ્યું છે. આ મામલે CID ક્રાઇમે અમદાવાદ અને ગાંધીનગરમાં ચાર રાજકીય પક્ષોના પ્રમુખ અને ઓડિટર વિરુદ્ધ 2283 કરોડના બોગસ ડોનેશન દ્વારા 800 કરોડથી વધુની કરચોરીનો ગુનો નોંધ્યો છે. વધુ 7-8 પક્ષો સામે પણ ફરિયાદ નોંધવાની તજવીજ ચાલી રહી છે.
ઇન્કમટેક્સ વિભાગને બાતમી મળી હતી કે કેટલીક રાજકીય પાર્ટીઓએ ચૂંટણી ફંડને 100 ટકા ટેક્સ મુક્તિ આપતી આવકવેરા કલમનો દુરુપયોગ કરીને કાળા નાણાંની હેરફેર કરી છે. આ આધારે 50થી વધુ રાજકીય પાર્ટીઓની ઓફિસ, તેમની સાથે સંકળાયેલા નેતાઓ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ (CA)ને ત્યાં સામૂહિક દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડા દરમિયાન 23 પાર્ટીઓએ આશરે 4000 કરોડ રૂપિયાનું બોગસ ડોનેશન લીધું હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાથમિક તબક્કે ચાર પાર્ટીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો છે. જેમાં અમદાવાદના નાના ચિલોડા ખાતે આવેલી ગરીબ કલ્યાણ પાર્ટી, ગાંધીનગરમાં આવેલી ભારતીય નેશનલ જનતા દળ, અમદાવાદના સૈજપુર ખાતે આવેલી સ્વતંત્રતા અભિવ્યક્તિ પાર્ટી અને વિદ્યાનગરમાં આવેલી સત્યરક્ષક પાર્ટીનો સમાવેશ થાય છે. આ ચારેય પાર્ટી સામે કુલ 2283 કરોડ રૂપિયાના બોગસ ડોનેશન અંગે ફરિયાદ દાખલ થઈ છે. CID ક્રાઇમ હવે વધુ 7-8 રાજકીય પાર્ટીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવાની તૈયારી કરી રહી છે, જેમાં 1200 થી 1500 કરોડ રૂપિયાના બોગસ ડોનેશનની હેરફેર થઈ હોવાનું સામે આવ્યું છે.
ઇન્કમટેક્સ વિભાગના રડારમાં આવેલી રાજકીય પાર્ટીઓમાં ભારતીય નેશનલ જનતા દળ, ગરીબ કલ્યાણ પાર્ટી, સ્વતંત્રતા અભિવ્યક્તિ પાર્ટી, લોકશાહી સત્તા પાર્ટી, ગરવી ગુજરાત પાર્ટી, ઇન્ડિયન સ્વર્ણ સમાજ પાર્ટી, જન મન પાર્ટી, ગુજરાત જનતા પંચાયત પાર્ટી, સત્યવાદી રક્ષક પાર્ટી, ન્યૂ ઇન્ડિયા યુનાઇટેડ પાર્ટી, રાષ્ટ્રીય જનક્રાંતિ પાર્ટી, જિલ્લા વિકાસ મંડળ, લોક કલ્યાણ મંચ, ભારતીય લોકતાંત્રિક પાર્ટી, ગુજરાત સંઘર્ષ સંગઠન, જનતા રાજ પાર્ટી, રાષ્ટ્રીય સમાજવાદી પાર્ટી, અખિલ ભારતીય યુવા વિકાસ પાર્ટી, માનવ અધિકાર નેશનલ પાર્ટી, હિંદુસ્તાન નિર્માણ દળ, સ્વરાજ્ય નવનિર્માણ સેના અને જન સેવા પાર્ટીનો સમાવેશ થાય છે.