સત્ય. સાહસ. સંકલ્પ.

ગુજરાત પોલીસ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને લેખિત પરીક્ષામાંથી મુક્તિ, સુરતમાં હર્ષ સંઘવીની જાહેરાત

ગુજરાત પોલીસ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને લેખિત પરીક્ષામાંથી મુક્તિ, સુરતમાં હર્ષ સંઘવીની જાહેરાત

ગુજરાત સરકારે પૂર્વ અગ્નિવીરો માટે રાજ્ય પોલીસની ભરતીમાં મોટી છૂટછાટ આપી છે. હવે પૂર્વ અગ્નિવીરોને ગુજરાત પોલીસની નિર્ધારિત ગણવેશધારી જગ્યાઓ પર સીધી ભરતીની પ્રક્રિયામાં લેખિત પરીક્ષા આપવાની જરૂર રહેશે નહીં. આ અંગે ગૃહ વિભાગે 9 ઓક્ટોબર, 2026ના રોજ સુધારા નિયમો જાહેર કર્યા છે. અગાઉ રાજ્ય સરકારે પૂર્વ અગ્નિવીરોને શારીરિક કાર્યક્ષમતા કસોટીમાંથી મુક્તિ આપી હતી. હવે લેખિત પરીક્ષામાંથી પણ મુક્તિ મળતાં પોલીસમાં નોકરી મેળવવા ઇચ્છતા ભૂતપૂર્વ અગ્નિવીરો માટે ભરતી પ્રક્રિયા સરળ બનશે.

આ અંગે નાયબ મુખ્યમંત્રી તથા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતમાં જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે, દેશની સુરક્ષા માટે યુવાન વયે સરહદ પર રાત-દિવસ ફરજ બજાવનારા અગ્નિવીરોનો અનુભવ ગુજરાત પોલીસના બળને મજબૂત કરવામાં ઉપયોગી થશે. કઠોર પરિસ્થિતિઓમાં ફરજ બજાવી ચૂકેલા આ યુવાનોનો અનુભવ રાજ્યની કાયદો-વ્યવસ્થા માટે સીધો લાભદાયી બનશે.

ગૃહ વિભાગે જાહેર કરેલા સુધારા દ્વારા મૂળ નિયમોમાં નિયમ 5 પછી નિયમ 5A ઉમેરવામાં આવ્યો છે. આ નિયમ મુજબ સીધી ભરતીની પ્રક્રિયામાં પૂર્વ અગ્નિવીરોને લેખિત પરીક્ષામાંથી મુક્તિ આપવામાં આવશે. આ સુધારો સરકારી ગેઝેટમાં પ્રકાશિત થયાની તારીખથી અમલમાં આવશે.

મૂળ નિયમો મુજબ પૂર્વ અગ્નિવીરોને ભરતી માટેની મહત્તમ વયમર્યાદામાં ત્રણ વર્ષની છૂટછાટ મળશે. જ્યારે અગ્નિવીરોની પ્રથમ બેચના ઉમેદવારોને પાંચ વર્ષની છૂટછાટ આપવાની જોગવાઈ છે. 9 ઓક્ટોબરના સુધારા દ્વારા આ જોગવાઈમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

આ ભરતીના નિયમો, યોગ્યતા અને શરતો અંગે સરકાર દ્વારા સત્તાવાર ઠરાવ (GR) પણ કરી દેવાયો છે. મૂળ નિયમો મુજબ આ લાભ ગૃહ વિભાગ હેઠળની નિર્ધારિત જગ્યાઓ માટે મળશે, જેમાં સશસ્ત્ર પોલીસ સબ ઇન્સ્પેક્ટર, સશસ્ત્ર પોલીસ કોન્સ્ટેબલ, SRPF પ્લાટૂન કમાન્ડર, SRPF પોલીસ કોન્સ્ટેબલ તથા જેલ વિભાગની કેટલીક જગ્યાઓનો સમાવેશ થાય છે.

રાજ્ય સરકારે 17 જુલાઈ, 2026ના રોજ જાહેર કરેલા મૂળ નિયમોમાં ભૂતપૂર્વ અગ્નિવીરો માટે 20 ટકા અનામતની જોગવાઈ કરી હતી. આ અનામત ગુજરાતના વતની, મૂળ નિવાસી અથવા કાયમી રહેવાસી એવા ભૂતપૂર્વ અગ્નિવીરોને લાગુ પડશે, જેમણે ભારતીય સશસ્ત્ર દળો એટલે કે આર્મી, નેવી અથવા એરફોર્સમાં અગ્નિવીર તરીકે સેવા પૂર્ણ કરી હોય અને જરૂરી દસ્તાવેજોની ચકાસણીમાં લાયક ઠરે. આ 20 ટકા અનામતનો લાભ યથાવત્ રહેશે.