સત્ય. સાહસ. સંકલ્પ.

નંબર પ્લેટ વગરના અને ફેન્સી પ્લેટવાળા વાહનો સામે ગુજરાત પોલીસની ઝુંબેશ, 4,187 વાહનો ડિટેઇન

નંબર પ્લેટ વગરના અને ફેન્સી પ્લેટવાળા વાહનો સામે ગુજરાત પોલીસની ઝુંબેશ, 4,187 વાહનો ડિટેઇન

અમદાવાદ: ગુજરાત પોલીસે નંબર પ્લેટ વગરના, અયોગ્ય અને ફેન્સી નંબર પ્લેટવાળા વાહનો સામે રાજ્યવ્યાપી ઝુંબેશ શરૂ કરી છે. રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકના માર્ગદર્શન હેઠળ 1 સપ્ટેમ્બરથી શરૂ થયેલી આ ઝુંબેશમાં 20 દિવસમાં રાજ્યભરમાં 18,014 કેસ નોંધાયા છે. નંબર પ્લેટ સાથે ચેડાં કરવાના કિસ્સામાં 4,187 વાહનો ડિટેઇન કરવામાં આવ્યા છે.

1 સપ્ટેમ્બરથી 20 સપ્ટેમ્બર દરમિયાન ચાલેલી આ વિશેષ ટ્રાફિક ડ્રાઇવમાં નિયમોનો ભંગ કરનારા વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. ટ્રાફિક નિયમોના ભંગ બદલ આ સમયગાળામાં કુલ રૂ. 58.56 લાખનો દંડ વસૂલવામાં આવ્યો છે.

વાહનોની નંબર પ્લેટ સાથે ચેડાં કરવાના કિસ્સાઓને પોલીસે ગંભીરતાથી લીધા છે. આવી ગેરરીતિ બદલ રાજ્યભરમાં 4,187 વાહનો ડિટેઇન કરવામાં આવ્યા છે. પોલીસ વિવિધ વિસ્તારોમાં સતત ચેકિંગ કરીને નિયમોનું ઉલ્લંઘન કરતા વાહનચાલકો સામે કાર્યવાહી કરી રહી છે.

સુરત, વડોદરા અને બનાસકાંઠામાં પણ મોટી કાર્યવાહી થઈ છે. સુરત શહેરમાં 1,786 કેસ, વડોદરા શહેરમાં 1,959 કેસ અને બનાસકાંઠામાં 1,363 કેસ નોંધાયા છે. પોલીસ વડાની કડક સૂચના બાદ રાજ્યના તમામ જિલ્લાઓ અને શહેરોમાં ટ્રાફિક પોલીસે ચેકિંગની કામગીરી વધુ સઘન બનાવી છે.

નંબર પ્લેટ વગરના, અયોગ્ય અથવા ચેડાં કરેલી નંબર પ્લેટવાળા વાહનો સામેની આ ઝુંબેશ 14 ઓક્ટોબર 2026 સુધી ચાલુ રહેશે. આગામી દિવસોમાં પણ નિયમોનો ભંગ કરનારા વાહનચાલકો સામે દંડનીય અને કાયદેસરની કાર્યવાહી વધુ સઘન બનાવવામાં આવશે.

સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચના એસ.પી. વી. સાહિત્યાએ વાહનચાલકોને પોતાના વાહનો પર નિયમાનુસાર સ્પષ્ટ અને સરળતાથી દેખાય તેવી નંબર પ્લેટ લગાવવા અપીલ કરી છે. ફેન્સી ફોન્ટવાળી, નંબર છુપાવતી અથવા સ્ટાઇલવાળી નંબર પ્લેટનો ઉપયોગ નિયમવિરુદ્ધ છે અને આવા કિસ્સામાં કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે. ગુજરાત પોલીસે નાગરિકોને ટ્રાફિક નિયમોનું પાલન કરી માર્ગ સલામતીમાં સહયોગ આપવા અપીલ કરી છે.