સત્ય. સાહસ. સંકલ્પ.

નવરાત્રી સુરક્ષા: 22 હજાર ગરબા સ્થળોએ પોલીસ બંદોબસ્ત, 49 શી-ટીમ તૈનાત

નવરાત્રી સુરક્ષા: 22 હજાર ગરબા સ્થળોએ પોલીસ બંદોબસ્ત, 49 શી-ટીમ તૈનાત

નવરાત્રીના તહેવાર દરમિયાન રાજ્યમાં શાંતિ અને સુરક્ષા જળવાઈ રહે તે માટે ગુજરાત પોલીસે વ્યાપક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં થ્રી-લેયર સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.

રાજ્યમાં કુલ 22 હજારથી વધુ જાહેર ગરબા સ્થળોએ પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. જેમાં 364 પાર્ટી પ્લોટ, 2,727 જાહેર ગરબા સ્થળો અને 16,527 શેરી ગરબાનો સમાવેશ થાય છે. આ સ્થળોએ પોલીસ, હોમગાર્ડ અને ટીઆરબીના જવાનો તૈનાત રહેશે.

રાજ્ય પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે તમામ જિલ્લા પોલીસ વડાઓ અને પોલીસ કમિશનરોને એલર્ટ રહેવા અને પેટ્રોલિંગ વધારવા સૂચના આપી છે. અતિસંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા માટે 17થી વધુ એસઆરપી કંપનીઓ ફાળવવામાં આવી છે.

મહિલાઓની સુરક્ષા માટે 49 શી-ટીમ તૈનાત કરવામાં આવી છે. આ ટીમોની મહિલા પોલીસ કર્મચારીઓ ચણિયાચોળી પહેરીને ગરબામાં ભાગ લેશે અને સાદા વેશમાં ખાનગી રીતે વોચ રાખશે. રોમિયોગીરી કરનારા તત્ત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

ગરબા પૂર્ણ થયા બાદ જો કોઈ મહિલાને રિક્ષા કે કેબ ન મળે તો તે પોલીસ કંટ્રોલ રૂમ અથવા 181 અભયમ હેલ્પલાઇનનો સંપર્ક કરી શકે છે. જરૂરિયાતના સમયે પોલીસ મહિલાઓને તેમના ઘર સુધી સુરક્ષિત પહોંચાડવાની વ્યવસ્થા કરશે.

સોશિયલ મીડિયા પર વાંધાજનક પોસ્ટ અને અફવાઓને રોકવા માટે ગાંધીનગર સ્થિત સાયબર એક્સેલન્સ સેન્ટર, સાયબર ક્રાઇમ ટીમો અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે. નવરાત્રી અને રાવણ દહન દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ઉચ્ચ અધિકારીઓને વિશેષ તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે.