અમદાવાદ સહિત ગુજરાતના તમામ નાના-મોટા શહેરોમાં આ વર્ષે નવરાત્રિ દરમિયાન 22 હજારથી વધુ સ્થળોએ ગરબાનું આયોજન થયું છે. જેમાં 370 પાર્ટી પ્લોટ, 3 હજાર જાહેર ગરબા અને 19 હજાર જેટલા શેરી ગરબાનો સમાવેશ થાય છે.
કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ મહિલાઓ અને યુવતીઓ સુરક્ષિત વાતાવરણમાં ગરબા રમી શકે તે માટે ગુજરાત પોલીસે વિશેષ તૈયારીઓ કરી છે. રાજ્ય પોલીસ વડા જી.એસ. મલિકે તમામ જિલ્લા અને શહેરના પોલીસ વડાઓ સાથે બેઠક યોજીને જરૂરી સૂચનો આપ્યા હતા.
ગરબા સ્થળોએ થ્રી-લેયર સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેમાં પ્રવેશ અને નિકાસ દરવાજા, સીસીટીવી કેમેરા, મેટલ ડિટેક્ટર અને બ્રેથ એનાલાઈઝરની વ્યવસ્થા મોટા આયોજનોમાં ફરજિયાત કરાઈ છે. મહિલા પોલીસની શી-ટીમ ખાનગી તેમજ પરંપરાગત કપડામાં હાજર રહેશે.
છેડતી કે અન્ય ગેરવર્તણૂક કરનાર સામે સ્થળ પર જ કડક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે. સોશિયલ મીડિયા પર પણ ચાંપતી નજર રખાશે, જેથી કોઈ વાંધાજનક પોસ્ટ દ્વારા ધાર્મિક વાતાવરણ ડહોળવાનો પ્રયાસ ન થાય. તાત્કાલિક ગુનો નોંધવા સૂચનાઓ આપવામાં આવી છે.
નવરાત્રિ દરમિયાન હોમગાર્ડ, પોલીસ અને ટ્રાફિક ટીમોના જવાનો પણ તૈનાત રહેશે.