ગાંધીનગરઃ ગુજરાત પોલીસે રાજ્યને સંપૂર્ણ 'ડ્રગ-ફ્રી' બનાવવા માટે ડ્રગ માફિયાઓ સામે 'ઝીરો ટોલરન્સ'ની નીતિ અપનાવી છે. આ દિશામાં હવે રાજ્યના દરેક જિલ્લા અને શહેરોમાં સમર્પિત 'એન્ટી નાર્કોટિક્સ વિંગ' (ANW) સ્થાપવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
હાલમાં દરેક શહેર અને જિલ્લામાં LCB, SOG અને સ્થાનિક પોલીસની ટીમો નશીલા પદાર્થ સામે કાર્યવાહી કરે છે. હવે આ ઉપરાંત સમર્પિત એન્ટી નાર્કોટિક્સ વિંગ પણ આ કામ કરશે. રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે આ સંદર્ભમાં આદેશ જારી કર્યો છે, જે મુજબ આગામી ૭ દિવસમાં તમામ ANW યુનિટ્સ કાર્યરત કરી દેવાના છે.
દરેક ANW યુનિટમાં કુલ ૮ અધિકારી-કર્મચારીઓ હશે, જેમાં ૧ પોલીસ ઇન્સ્પેક્ટર, ૧ પોલીસ સબ-ઇન્સ્પેક્ટર, ૨ સહાયક પોલીસ ઇન્સ્પેક્ટર કે હેડ કોન્સ્ટેબલ અને ૪ પોલીસ કોન્સ્ટેબલનો સમાવેશ થશે. તેમને અલગ વાહન અને ડ્રાઇવર પણ ફાળવવામાં આવશે.
ગુજરાત પોલીસે પાંચ વર્ષમાં NDPS એક્ટ હેઠળ ૩,૭૦૦થી વધુ ગુના નોંધી ૫,૩૪૬ આરોપીઓની ધરપકડ કરી છે. આ સમયગાળા દરમિયાન આશરે રૂ. ૧૩,૬૦૦ કરોડથી વધુ કિંમતનો ૧.૩૬ લાખ કિલોગ્રામથી વધુ ડ્રગ્સનો જથ્થો જપ્ત કરી આંતરરાષ્ટ્રીય સ્મગલિંગ નેટવર્કને ફટકો આપ્યો છે.
ગુજરાત 'ડ્રગ રિવોર્ડ પોલિસી', 'આઉટ-ઓફ-ટર્ન પ્રમોશન' અને AI આધારિત 'NARIT' સોફ્ટવેર અમલી બનાવનાર દેશનું પ્રથમ રાજ્ય છે. તે વ્યસનમુક્તિ માટે માનવીય અભિગમ પણ અપનાવે છે. આ નિર્ણયથી નશા સામેની લડત વધુ મજબૂત બનશે તેવી અપેક્ષા છે.