દેશની સરહદો પર ફરજ બજાવી ચૂકેલા અગ્નિવીરો માટે ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે પૂર્વ અગ્નિવીરોને ગુજરાત પોલીસ દળમાં કોઈ પણ પરીક્ષા વગર સીધી ભરતી આપવાની જાહેરાત કરી છે.
સુરતમાં યોજાયેલા એક કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ અંગેની વિગતો આપી હતી. તેમણે જણાવ્યું કે હવે પૂર્વ અગ્નિવીરો માટે પોલીસની ખાખી વર્દી મેળવવાનો રસ્તો સરળ બની ગયો છે. સેનામાં સેવા આપી પરત ફરેલા યુવાનોની કુશળતા અને શિસ્તનો લાભ ગુજરાત પોલીસને મળશે.
બંને કસોટીમાંથી મુક્તિ
અગાઉ જુલાઈ મહિનામાં રાજ્ય સરકારે અગ્નિવીરોને શારીરિક કસમત કસોટી (ફિઝિકલ ટેસ્ટ)માંથી મુક્તિ આપી હતી. હવે ગૃહ વિભાગે 9 ઓક્ટોબર, 2026ના રોજ ભરતી નિયમોમાં સુધારો કરીને તેમને લેખિત પરીક્ષામાંથી પણ સંપૂર્ણ મુક્તિ આપી છે. એટલે કે પૂર્વ અગ્નિવીરોએ પોલીસ ભરતી માટે હવે શારીરિક કે લેખિત એક પણ કસોટી આપવી પડશે નહીં.
આ સુધારા હેઠળ મૂળ ભરતી નિયમોમાં નિયમ 5 પછી નવો નિયમ 5A ઉમેરવામાં આવ્યો છે, જે સરકારી ગેઝેટમાં પ્રસિદ્ધ થતાં જ અમલી બન્યો છે.
કયા પદો પર ભરતી થશે?
ગૃહ વિભાગ હેઠળની ગણવેશધારી જગ્યાઓ પર સીધી ભરતી થશે. જેમાં આ પદોનો સમાવેશ થાય છે:
હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર (આર્મ્ડ PSI)
હથિયારી પોલીસ કોન્સ્ટેબલ
એસઆરપીએફ (SRPF) પ્લાટૂન કમાન્ડર
એસઆરપીએફ (SRPF) કોન્સ્ટેબલ
જેલર અને જેલ સિપાહી
20% અનામત અને વયમર્યાદામાં છૂટછાટ
રાજ્ય સરકારે 17 જુલાઈ, 2026ના રોજ જાહેર કરેલા નિયમો મુજબ પોલીસ ભરતીમાં પૂર્વ અગ્નિવીરો માટે 20% જગ્યાઓ અનામત રાખવામાં આવી છે. આ લાભ ગુજરાતના મૂળ વતની કે કાયમી રહેવાસી હોય અને ભારતીય સેના (આર્મી, નેવી કે એરફોર્સ)માં અગ્નિવીર તરીકે કાર્યકાળ પૂરો કર્યો હોય તેમને મળશે.
વયમર્યાદામાં પણ રાહત આપવામાં આવી છે. સામાન્ય રીતે પૂર્વ અગ્નિવીરોને ઉપલી વયમર્યાદામાં 3 વર્ષની છૂટ મળશે. જ્યારે અગ્નિવીરોની પ્રથમ બેચના ઉમેદવારો માટે 5 વર્ષની છૂટની જોગવાઈ યથાવત્ રાખવામાં આવી છે.
સરકારે આ સમગ્ર પ્રક્રિયા અંગે સત્તાવાર ઠરાવ (GR) જાહેર કરી દીધો છે. યોગ્ય દસ્તાવેજોની ચકાસણી બાદ લાયક ઉમેદવારોને સીધી નિમણૂક આપવામાં આવશે.