સત્ય. સાહસ. સંકલ્પ.

ગુજરાતમાં POCSO કેસોમાં ઝડપી ન્યાય: 2022થી 908 ગુનેગારોને આજીવન કેદ, 16ને ફાંસી

ગુજરાતમાં POCSO કેસોમાં ઝડપી ન્યાય: 2022થી 908 ગુનેગારોને આજીવન કેદ, 16ને ફાંસી

ગાંધીનગર: ગુજરાતમાં દીકરીઓની સુરક્ષા માટે અને જાતીય ગુનાઓ સામે કડક કાર્યવાહી માટે રાજ્ય સરકારે ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ અપનાવી છે. આ નીતિના પરિણામે POCSO (પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સિસ) હેઠળના કેસોમાં ન્યાય પ્રક્રિયા ઝડપથી આગળ વધી રહી છે. આ કેસોમાં વૈજ્ઞાનિક પુરાવા એકત્ર કરવા સહિત ગુનાની ઊંડાણપૂર્વક તપાસ પોલીસ દ્વારા કરવામાં આવે છે, જે ગુનેગારોને કડક સજા અપાવવામાં મહત્ત્વની સાબિત થઈ છે. તાજેતરમાં ગાંધીનગરના કલોલ ખાતે પોક્સો કોર્ટે 15 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનાર આરોપીને પોલીસે ચાર્જશીટ રજૂ કર્યાના માત્ર 72 કલાકમાં આજીવન કેદની સજા ફટકારી દાખલારૂપ ચુકાદો આપ્યો છે.

રાજ્યમાં 2022થી ઓગસ્ટ 2026 દરમિયાન પોક્સો અદાલતોએ કુલ 1,785 ચુકાદા આપ્યા છે. જેમાં 908 ગુનેગારોને આજીવન કેદ અને 16 નરાધમોને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. ચુકાદાઓની સંખ્યામાં વર્ષ દર વર્ષે નોંધપાત્ર વધારો થયો છે. વર્ષ 2022માં 194 ચુકાદામાં 107 આરોપીઓને આજીવન કેદ, વર્ષ 2025માં 499 ચુકાદામાં 340 આરોપીઓને આજીવન કેદ અને વર્ષ 2026માં ઓગસ્ટ સુધીના આઠ મહિનામાં 346 ચુકાદામાં 241 આરોપીઓને આજીવન કેદની સજા અપાઈ છે. માત્ર ઓગસ્ટ મહિનામાં જ 48 પોક્સો કેસમાં સજાના ચુકાદા આવ્યા છે, જેમાં 35ને આજીવન કેદ ફટકારાઈ છે.

આ અંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, ગુજરાતમાં દીકરીઓ તરફ કુદૃષ્ટિ કરનારા કોઈપણ નરાધમ માટે કોઈ દયા કે છૂટછાટ હોઈ જ ન શકે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે POCSO કેસો માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ્સ અને મજબૂત કાયદાકીય માળખું ઊભું કર્યું છે, જેના પરિણામે આજે પીડિતા અને તેના પરિવારને મહિનાઓ કે વર્ષો નહીં, પરંતુ ગણતરીના દિવસોમાં ઝડપી ન્યાય મળી રહ્યો છે. માત્ર 72 કલાકમાં ચાર્જશીટથી ચુકાદા સુધી પહોંચવું એ ગુજરાત પોલીસની ઉત્કૃષ્ટ અને વૈજ્ઞાનિક તપાસ તેમજ ન્યાયતંત્રના કડક અભિગમનું પરિણામ છે. હું ગુજરાત પોલીસ અને ન્યાયતંત્રને અભિનંદન પાઠવું છું. અમારો સ્પષ્ટ સંકલ્પ છે કે આવા ગુનેગારોને સમાજમાં દાખલો બેસે તેવી કડકમાં કડક સજા અપાવીને જ અમે જંપીશું.

રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે જણાવ્યું છે કે આ પ્રકારના કેસોમાં અત્યંત સંવેદનશીલતા સાથે જરૂરી ઝડપ અને કડકાઈ દાખવીને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવે છે. પીડિતા કે તેના પરિવારને ઝડપી ન્યાય મળે તે માટે પોલીસ દ્વારા તપાસ દરમિયાન સઘન તપાસ, કડક કાર્યવાહી અને ઝડપી ન્યાયના ત્રિ-સૂત્ર પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. પોક્સો કેસોમાં ત્વરિત ચાર્જશીટ સાથે દરેક કેસ ઝડપી અદાલત સુધી પહોંચે તેનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. પોલીસ દ્વારા મોટાભાગના કેસોમાં 45 દિવસની અંદર ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી રહી છે, જેથી કોર્ટ ટ્રાયલ વિલંબ વિના શરૂ થઈ શકે અને આરોપીઓને રેકોર્ડ સમયમાં કડક સજા અપાવી શકાય.

છેલ્લા પાંચ વર્ષમાં 140 પોક્સો ગુનામાં પોલીસે એક દિવસથી લઈને 15 દિવસમાં ચાર્જશીટ કરી છે. 16 થી 30 દિવસમાં તપાસ પૂર્ણ કરીને 1,339 ગુનાઓમાં ચાર્જશીટ કરી દેવાઈ છે. તેવી જ રીતે 31 થી 45 દિવસમાં ચાર્જશીટ કરાયેલા 5,463 ગુનાઓ છે. આ આંકડા પોલીસ દ્વારા આ પ્રકારના કેસોમાં દાખવવામાં આવતી ગંભીરતા અને તપાસની ઝડપ દર્શાવે છે.