સત્ય. સાહસ. સંકલ્પ.

ગુજરાત બન્યું પાયલટ તાલીમનું હબ, ટૂંક સમયમાં 10 FTO થશે

ગુજરાત બન્યું પાયલટ તાલીમનું હબ, ટૂંક સમયમાં 10 FTO થશે

ગુજરાત કોમર્શિયલ પાયલટ તાલીમના ક્ષેત્રમાં દેશના મુખ્ય કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે. રાજ્યમાં હાલ પાંચ ફ્લાઇંગ ટ્રેનિંગ ઓર્ગેનાઇઝેશન (FTO) કાર્યરત છે અને ટૂંક સમયમાં વધુ પાંચ FTO શરૂ થવાની તૈયારી છે. નવી સંસ્થાઓ શરૂ થયા પછી રાજ્યમાં કુલ 10 FTOનું નેટવર્ક તૈયાર થશે.

ગુજરાતમાં કાર્યરત FTO દ્વારા અત્યાર સુધીમાં 5,200થી વધુ એવિએશન વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવી છે. આ સંસ્થાઓમાંથી 3,200થી વધુ વિદ્યાર્થીઓએ કોમર્શિયલ પાયલટ લાઇસન્સ (CPL) મેળવી લીધું છે, જ્યારે 200થી વધુ ભાવિ પાયલટ હાલ તાલીમ લઈ રહ્યા છે.

રાજ્યમાં FTOનું વિસ્તરણ મુખ્યત્વે પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ (PPP) મોડલ હેઠળ કરવામાં આવી રહ્યું છે. સિવિલ એવિએશન વિભાગ અને ગુજરાત સ્ટેટ એવિએશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લિમિટેડ (GUJSAIL) દ્વારા રાજ્યના એરપોર્ટ અને એરસ્ટ્રિપ્સ પર પાયલટ તાલીમ માટે જરૂરી માળખું વિકસાવવામાં આવી રહ્યું છે. આ માટે સરકારી માલિકીની જમીન પારદર્શક બિડિંગ પ્રક્રિયા દ્વારા પાત્ર ઓપરેટરોને ફાળવવામાં આવી છે.

હાલમાં મહેસાણા, અમરેલી અને ભાવનગરમાં FTO કાર્યરત છે. મહેસાણામાં સ્કાયનેક્સ એરો પ્રા. લિ. અને બ્લૂ રે એવિએશન પ્રા. લિ. કાર્યરત છે. અમરેલીમાં વિઝન ફ્લાઇંગ ટ્રેઇનિંગ ઇન્સ્ટિટ્યૂટ અને ગુજરાત ફ્લાઇંગ ક્લબ છે, જ્યારે ભાવનગરમાં દુનેસ એવિએશન પ્રા. લિ. દ્વારા પાયલટ તાલીમ આપવામાં આવે છે.

ગુજરાતને પાયલટ તાલીમ માટે અનુકૂળ બનાવતા પરિબળોમાં વર્ષના મોટા ભાગના સમય દરમિયાન ફ્લાઇંગ માટે અનુકૂળ હવામાન, એરપોર્ટ અને એરસ્ટ્રિપ્સનું નેટવર્ક તથા સારી રોડ કનેક્ટિવિટીનો સમાવેશ થાય છે. રાજ્યમાં ઉપલબ્ધ એવિએશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઔદ્યોગિક ઇકોસિસ્ટમ પણ આ ક્ષેત્રના વિકાસમાં મદદરૂપ બની રહ્યા છે.

વધતા FTO નેટવર્કથી પાયલટ તાલીમ ઉપરાંત રોજગારીની નવી તકો ઊભી થવાની શક્યતા છે. ફ્લાઇટ ઇન્સ્ટ્રક્ટર, એરક્રાફ્ટ મેન્ટેનન્સ એન્જિનિયર, ફ્લાઇટ ડિસ્પેચર, સેફ્ટી પ્રોફેશનલ, ઓપરેશન સ્ટાફ અને ગ્રાઉન્ડ સપોર્ટ જેવા ક્ષેત્રોમાં પણ રોજગારની તકો વધી શકે છે.

FTOના વિસ્તરણથી એરક્રાફ્ટ મેન્ટેનન્સ, એવિએશન ફ્યુઅલ, ફ્લાઇટ સિમ્યુલેટર, MRO, એરોસ્પેસ મેન્યુફેક્ચરિંગ અને ડ્રોન પાઇલટ ટ્રેનિંગ જેવા સંબંધિત ક્ષેત્રોને પણ વેગ મળવાની શક્યતા છે. સરકારી એરપોર્ટ અને એરસ્ટ્રિપ્સના વધુ ઉપયોગથી સ્થાનિક સ્તરે આર્થિક પ્રવૃત્તિ વધવાની સાથે રાજ્યના એવિએશન સેક્ટરને વધુ મજબૂતી મળી શકે છે.