ગાંધીનગર: દવાની દુકાને જતા ગ્રાહકને એ ભરોસો હોય છે કે તેને લાયસન્સ ધરાવતા ફાર્માસિસ્ટ દ્વારા જ દવા આપવામાં આવે છે. પરંતુ ગુજરાતમાં એક ચિંતાજનક હકીકત સામે આવી છે. રાજ્યમાં અનેક મેડિકલ સ્ટોર્સ ફાર્માસિસ્ટના લાયસન્સ ભાડે લઈને નિયમોનો ભંગ કરી રહ્યા છે.
ફાર્મસી કાઉન્સિલના આંકડા મુજબ ગુજરાતમાં કુલ 15,508 રજિસ્ટર્ડ ફાર્માસિસ્ટ નોંધાયેલા છે. આ બાબતમાં ગુજરાત દેશભરમાં સાતમા ક્રમે આવે છે. પરંતુ લાયસન્સનો યોગ્ય ઉપયોગ થાય છે કે નહીં, એ હવે આરોગ્ય તંત્ર માટે ગંભીર ચિંતાનો વિષય બન્યો છે.
નિયમો અનુસાર ફાર્માસિસ્ટનું લાયસન્સ માત્ર નામ કે કાગળનો ટુકડો નથી, પરંતુ જવાબદારીનું સત્તાવાર પ્રમાણપત્ર છે. મેડિકલ સ્ટોરમાં ફાર્માસિસ્ટની રૂબરૂ હાજરી અને દેખરેખ હોવી અનિવાર્ય છે. અન્ય વ્યક્તિના નામે લાયસન્સ મેળવીને દુકાન ચલાવવી કે પોતાનું લાયસન્સ બીજાને વાપરવા આપવું સંપૂર્ણપણે ગેરકાયદે છે.
તાજેતરમાં ભાવનગર પોલીસે એક નોંધાયેલા ફાર્માસિસ્ટની ધરપકડ કરી હતી. તેના લાયસન્સનો દુરુપયોગ કરીને પ્રતિબંધિત કફ સિરપ સહિતનો મોટો જથ્થો ગેરકાયદેસર રીતે મેળવવામાં આવ્યો હતો.
આ પ્રકારની ગેરરીતિ એકલદોકલ કિસ્સા પૂરતી મર્યાદિત નથી. વડોદરામાં તપાસ દરમિયાન ગેરરીતિ અને લાયકાત ધરાવતા ફાર્માસિસ્ટની ગેરહાજરી માલૂમ પડતાં વિભાગે 7 પેઢીઓને નોટિસ ફટકારી હતી. એક દુકાનનું લાયસન્સ રદ કરવામાં આવ્યું હતું અને 83 લાખ રૂપિયાથી વધુનો શંકાસ્પદ જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો.
ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન (FDCA) દ્વારા મેડિકલ સ્ટોર્સ પર સતત તપાસ કરવામાં આવે છે કે દુકાનમાં ફાર્માસિસ્ટ હાજર છે કે નહીં અને ખરીદી-વેચાણના રેકોર્ડ નિયમો મુજબ જળવાયા છે કે નહીં. નિયમભંગ માલૂમ પડે તો લાયસન્સ સસ્પેન્ડ કે રદ કરવાની સાથે કાયદાકીય ફોજદારી કાર્યવાહી પણ કરવામાં આવે છે.
તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે લાયસન્સનો અર્થ માત્ર દુકાન ચલાવવાની છૂટ નથી, પરંતુ દવાઓના કાયદેસર અને જવાબદાર વેચાણની મોટી નૈતિક ફરજ પણ છે. તેથી ફાર્માસિસ્ટનું લાયસન્સ અન્યને આપવું કે ભાડે આપવું સમગ્ર દવા નિયંત્રણ તંત્ર માટે મોટું જોખમ સાબિત થઈ શકે છે.