ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં માર્ગ અકસ્માતમાં 4,924 રાહદારીઓએ જીવ ગુમાવ્યા છે. બેફામ ડ્રાઇવિંગ, ઓવરટેકિંગ અને ટ્રાફિક નિયમોના ઉલ્લંઘનને કારણે રસ્તા પર ચાલવું પણ જોખમી બની ગયું છે. એક રિપોર્ટમાં આ આંકડા બહાર આવ્યા છે.
અકસ્માતમાં સૌથી વધુ નુકસાન 25થી 30 વર્ષના યુવાન રાહદારીઓનું થયું છે. આ ઉપરાંત 35થી 60 વર્ષના આધેડ વયના લોકોની સંખ્યા પણ નોંધપાત્ર છે. પરિવારના મુખ્ય કમાતા સભ્ય ગુમાવવાને કારણે અનેક પરિવારો નિરાધાર બન્યા છે.
રાજ્યમાં દર વર્ષે સરેરાશ 15,000થી વધુ નાના-મોટા અકસ્માતો થાય છે, જેમાં અંદાજે 1,500 રાહદારીઓ મૃત્યુ પામે છે. રોંગ સાઇડ ડ્રાઇવિંગ અને સ્પીડ ક્રેઝ આ જીવલેણ અકસ્માતો માટે મુખ્ય જવાબદાર પરિબળો મનાય છે.
અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા લોકોને હોસ્પિટલમાં ઇમરજન્સી સારવાર આપવા પાછળ સરકારી તંત્ર અને પરિવારોએ આશરે રૂપિયા 4.6 કરોડનો ખર્ચ કર્યો છે. વળતર મેળવવા માટે છેલ્લા પાંચ વર્ષમાં 4,308 વીમા ક્લેમ રજૂ થયા છે, જે અકસ્માતની ઊંડી સામાજિક-આર્થિક અસર દર્શાવે છે.
ગુજરાતમાં નેશનલ હાઇવે પર 182 બ્લેકસ્પોટ છે, જ્યાં સૌથી વધુ અકસ્માતો થાય છે. જ્યાં છેલ્લા ત્રણ વર્ષમાં એક જ જગ્યાએ પાંચથી વધુ અકસ્માત થયા હોય અને 10થી વધુ લોકોના મોત થયા હોય તેવી જગ્યાને બ્લેકસ્પોટ ગણવામાં આવે છે. આ સ્થળોએ અકસ્માત રોકવા માટે રોડ સેફ્ટી ઓથોરિટી દ્વારા કડક જાગૃતિ અને કાયદાકીય અમલવારીની જરૂર છે.