ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની આર્થિક સ્થિતિ ચિંતાજનક બની છે. ગ્રામ પંચાયતો અને નગરપાલિકાઓ પર પાણી વેરાનું દેવું વધીને 384 કરોડ રૂપિયાથી વધુ થઈ ગયું છે. સરકારી રિપોર્ટ મુજબ, છેલ્લા પાંચ વર્ષમાં પંચાયતોએ માત્ર 52 લાખ રૂપિયાનો પાણી વેરો ભર્યો છે, જ્યારે તેમની પાસે 236 કરોડ રૂપિયા લેવાના બાકી છે. નગરપાલિકાઓ પર 148 કરોડ રૂપિયાનું પાણીનું બિલ બાકી છે.
રિપોર્ટ અનુસાર, વર્ષ 2019-20માં પંચાયતો પાસે 139 કરોડ રૂપિયા લેવાના બાકી હતા, જે 2023-24માં વધીને 236 કરોડ થઈ ગયા છે. આ સમયગાળામાં બાકી રકમમાં 74.44 કરોડ રૂપિયાનો વધારો થયો છે. વસૂલાત ન થવાનું મુખ્ય કારણ ચૂંટણી રાજનીતિ અને વહીવટી શિથિલતા હોવાનું જણાવાય છે. સ્થાનિક સંસ્થાઓ મતબેંક સાચવવા માટે કડકાઈથી વેરો વસૂલતી નથી, જેની અસર રાજ્યની તિજોરી પર પડે છે.
નગરપાલિકાઓની સ્થિતિ પણ કંગાળ છે. પાણી વેરો ભરવા માટે તેમને સરકાર પાસેથી લોન લેવી પડે છે. શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડતી આ સંસ્થાઓનું 148 કરોડ રૂપિયાથી વધુનું બિલ બાકી છે. દેવું કરીને વહીવટ ચલાવવાની નીતિને કારણે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની આર્થિક સ્થિતિ વધુ નબળી પડી છે.
નિષ્ણાતોના મતે, જો સરકાર ગ્રાન્ટ કાપ જેવા કડક પગલાં ન લે તો પંચાયતો અને પાલિકાઓ વધુ દેવાદાર બની શકે છે. આ સ્થિતિ રાજ્યની આર્થિક વ્યવસ્થા માટે પડકારરૂપ છે.