ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં પંચાયતી રાજ સમિતિનો અહેવાલ રજૂ થયો છે, જેમાં 1993-94થી 2012-13 સુધીના ઓડિટમાં 723.81 કરોડ રૂપિયાની વસૂલાત માત્ર કાગળ પર રહી હોવાનું જણાવાયું છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે આ રકમ કોની પાસેથી વસૂલવાની છે તેનો સત્તાવાર રેકોર્ડ સરકારી કચેરીઓમાં ઉપલબ્ધ નથી.
અહેવાલ મુજબ, જે વ્યક્તિઓ, કોન્ટ્રાક્ટરો કે સંસ્થાઓ પાસેથી નાણાં વસૂલવાના હતા, તેઓ હયાત છે કે નહીં, અથવા તેમની પાસેથી કેટલી રકમ લેવાની બાકી છે તેની કોઈ વિગત વિકાસ કમિશનર કે અન્ય જવાબદાર અધિકારીઓ પાસે નથી. આટલા લાંબા સમયગાળા દરમિયાન યોગ્ય હિસાબ ન રાખવામાં આવ્યો અને કોઈ ફોલો-અપ ન લેવાયો, જેના કારણે આખી રકમ હાલ હવામાં અધ્ધરતાલ છે.
સમિતિએ આ બાબતને પંચાયતોમાં વહીવટી લાપરવાહી અને બેદરકારીનો જીવતો પુરાવો ગણાવી છે. તેમણે દોષિતો સામે કડક કાર્યવાહીની ભલામણ કરી છે. આ અહેવાલ સરકારના 'સુશાસન'ના દાવાઓ પર પ્રશ્નાર્થ ઊભો કરે છે. સવાલ એ થાય છે કે ઓડિટમાં આટલી મોટી રકમની વસૂલાતનો મુદ્દો હોવા છતાં, શું રાજ્ય સરકાર વધુ ચૂકવાયેલી રકમ પરત લેવામાં ગંભીર નથી?