ગાંધીનગર: ગુજરાત ઔદ્યોગિક અને આર્થિક વિકાસમાં દેશમાં આગળ હોવાનો દાવો કરે છે, પણ ઓર્ગેનિક ખેતીમાં રાજ્ય અન્ય મોટા રાજ્યો કરતાં ઘણું પાછળ છે. પરંપરાગત કૃષિ વિકાસ યોજનાના તાજેતરના સત્તાવાર આંકડા દર્શાવે છે કે ગુજરાતમાં ઓર્ગેનિક ખેતીનો વ્યાપ મર્યાદિત છે અને તે ધીમે વધી રહ્યો છે. હજુ પણ ખેતીમાં રાસાયણિક ખાતરનો વ્યાપક ઉપયોગ થઈ રહ્યો છે.
રાજસ્થાનમાં 2,01,140 હેક્ટર અને ઉત્તર પ્રદેશમાં 1,71,184 હેક્ટર જમીન ઓર્ગેનિક ખેતી હેઠળ આવરી લેવાઈ છે, જ્યારે ગુજરાતમાં માત્ર 15,334.41 હેક્ટર જમીન જ ઓર્ગેનિક ખેતી હેઠળ છે. ક્લસ્ટરની વાત કરીએ તો રાજસ્થાન 10,055 ક્લસ્ટર સાથે મોખરે છે, ઉત્તર પ્રદેશમાં 8,539 ક્લસ્ટર છે, મધ્ય પ્રદેશમાં 6,037 અને મહારાષ્ટ્રમાં 2,978 ક્લસ્ટર છે. ગુજરાતમાં આ સંખ્યા માત્ર 759 છે.
વર્ષ 2024-25માં રાજ્ય સરકારે ઓર્ગેનિક ખેતી માટે રૂ. 2,096 લાખનો ખર્ચ કર્યો છે. તેમ છતાં યોજનાનો લાભ માત્ર 17,836 ખેડૂતોને જ મળ્યો છે. આ સંખ્યા રાજ્યના કુલ ખેડૂતોના એક ટકા કરતાં પણ ઓછી છે. સરખામણી માટે, આંધ્ર પ્રદેશમાં 7,46,976 ખેડૂતો અને કેરળમાં 3,10,841 ખેડૂતો ઓર્ગેનિક ખેતી અપનાવી ચૂક્યા છે.
ગુજરાતના ખેડૂતો ઓર્ગેનિક પાક ઉગાડવા તૈયાર છે, પરંતુ તેમને પ્રમાણપત્ર મેળવવામાં ભારે મુશ્કેલી પડે છે. ઉપરાંત, રાસાયણિક પાકની જેમ ઓર્ગેનિક પેદાશો માટે મજબૂત માર્કેટિંગ ચેઈન કે ટકાઉ ભાવની વ્યવસ્થા ઊભી કરવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે. રાજસ્થાન અને મહારાષ્ટ્રે ખેડૂતોને ઓર્ગેનિક ખેતીની તાલીમ આપવા માટે વ્યાપક અભિયાનો ચલાવ્યા, પરંતુ ગુજરાતના કૃષિ વિભાગમાં એવી સક્રિયતા જોવા મળી નથી.
બીજી તરફ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ગુજરાતના ગામડાઓમાં વારંવાર રાત્રિ સભાઓ યોજીને ખેડૂતોને ઓર્ગેનિક ખેતી અપનાવવા હાકલ કરે છે. તેમના પ્રચારને લઈને ટીકા થઈ રહી છે કે સરકારી મશીનરી અને જનતાના નાણાંનો ઉપયોગ એક ચોક્કસ વિચારધારાના પ્રચાર માટે થઈ રહ્યો છે. જોકે, આ મુદ્દે રાજ્યપાલ કાર્યાલય તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા મળી નથી.
નિષ્ણાતો માને છે કે જો ઓર્ગેનિક ક્લસ્ટર વધારવા માટે ઝડપી પગલાં નહીં લેવાય, તો કેમિકલમુક્ત કૃષિ ઉત્પાદનોના બજાર પર અન્ય રાજ્યો કબજો જમાવી લેશે અને ગુજરાત ગ્રીન ઈકોનોમીની રેસમાં પાછળ રહી જશે.