ગુજરાતમાં આરોગ્ય વિભાગે 'ઓપરેશન હેલ્થ' નામનું અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન હેઠળ નાગરિકોને આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ વચ્ચેનો તફાવત સમજાવવામાં આવી રહ્યો છે. આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાની અધ્યક્ષતામાં આરોગ્ય અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સંયુક્ત રીતે આ ઝુંબેશ ચલાવી રહ્યા છે.
અધિકારીઓના જણાવ્યા મુજબ, અસલી આઈસ્ક્રીમ દૂધની ચરબી (મિલ્ક ફેટ)માંથી બને છે, જ્યારે ફ્રોઝન ડેઝર્ટમાં વનસ્પતિ ચરબી કે તેલનો ઉપયોગ થાય છે. ગ્રાહકોને આ તફાવતની જાણકારી હોવી જરૂરી છે.
લોકોને જાગૃત કરવા માટે અપીલ કરવામાં આવી છે કે કોઈપણ ઉત્પાદન ખરીદતા પહેલા પેકેટ પર લખેલું નામ, ઘટકો અને પોષકતત્ત્વો ધ્યાનથી તપાસે.
આ ઉપરાંત, છૂટક વેપારીઓને તેમની દુકાનો પર ગ્રાહકો જોઈ શકે તેવું યોગ્ય ડિસ્પ્લે બોર્ડ અને સ્પષ્ટ માર્કિંગ રાખવાની સૂચના આપવામાં આવી છે, જેથી ગ્રાહકો પોતાની પસંદગીની ચીજવસ્તુઓ જાણીને ખરીદી શકે.
આ પહેલથી બજારમાં ગુણવત્તાહીન ખાદ્ય સામગ્રી પર અંકુશ આવશે અને નાગરિકોને શુદ્ધ તથા પોષણયુક્ત આહાર મળી રહેશે તેવી અપેક્ષા છે. ભવિષ્યમાં આવા અભિયાનોથી લોકોમાં આરોગ્ય પ્રત્યેની જાગૃતિ વધશે અને ફૂડ સેફ્ટીના ધોરણોનું પાલન સુનિશ્ચિત થશે.