સત્ય. સાહસ. સંકલ્પ.

ગુજરાતમાં ડ્રોપઆઉટ ઘટાડવા ઓપન સ્કૂલના વિદ્યાર્થીઓ માટે પહેલીવાર અલગ બોર્ડ પરીક્ષા

ગુજરાતમાં ડ્રોપઆઉટ ઘટાડવા ઓપન સ્કૂલના વિદ્યાર્થીઓ માટે પહેલીવાર અલગ બોર્ડ પરીક્ષા

ગુજરાતમાં ધોરણ 10 અને 12માં ડ્રોપઆઉટ રેટ ઘટાડવા રાજ્ય સરકાર અને ગુજરાત શિક્ષણ બોર્ડે મહત્ત્વનો નિર્ણય લીધો છે. પ્રથમવાર સ્ટેટ ઓપન સ્કૂલિંગ હેઠળ ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહના એક્સટર્નલ વિદ્યાર્થીઓ માટે અલગ બોર્ડ પરીક્ષા યોજાશે. આ પરીક્ષા આગામી નવેમ્બર-ડિસેમ્બરમાં લેવામાં આવશે, જોકે હજુ ચોક્કસ તારીખો જાહેર થઈ નથી. વિગતવાર પરીક્ષા કાર્યક્રમ નજીકના સમયમાં જાહેર કરાશે.

સરકારે ધોરણ 8 પછી અને ધોરણ 10 પછી રાજ્યમાં કેટલા વિદ્યાર્થીઓ શાળા અને અભ્યાસથી વંચિત છે તે અંગે વ્યાપક સર્વે હાથ ધર્યો હતો. સર્વેમાં ધ્યાનમાં આવ્યું કે ઘણા વિદ્યાર્થીઓ શાળાએ જતા નથી અથવા અભ્યાસ અધવચ્ચે છોડી દે છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને ડ્રોપઆઉટ રેટ નિયંત્રિત કરવા આ પગલું લેવાયું છે. સરકારની સત્તાવાર મંજૂરી બાદ જ પરીક્ષા યોજાશે.

આ ખાસ પરીક્ષામાં સામેલ થવા ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ઈચ્છુક વિદ્યાર્થીઓ 10 ઓક્ટોબર સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે. આ તક એવા વિદ્યાર્થીઓ માટે ઉપયોગી છે જેઓ પહેલા બોર્ડ પરીક્ષાથી વંચિત રહી ગયા હતા.

ઉલ્લેખનીય છે કે નેશનલ ઓપન સ્કૂલિંગ દ્વારા ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષા વર્ષમાં ત્રણ વખત લેવામાં આવે છે. તેને અનુસરીને ગુજરાત શિક્ષણ બોર્ડે પણ સ્ટેટ ઓપન સ્કૂલિંગ હેઠળ આ પરીક્ષા વર્ષમાં બીજી વખત યોજવાનો નિર્ણય લીધો છે. એક્સટર્નલ તરીકે અભ્યાસ કરવા ઈચ્છતા અને અગાઉ બોર્ડ પરીક્ષાથી વંચિત રહી ગયેલા વિદ્યાર્થીઓને હવે ફરી બોર્ડ પરીક્ષા આપવાની તક મળશે.