સત્ય. સાહસ. સંકલ્પ.

ગુજરાતમાં વૃદ્ધાશ્રમોની સંખ્યા 376 પર પહોંચી, દર પાંચ દિવસે એક નવું કેન્દ્ર ઉમેરાયું

ગુજરાતમાં વૃદ્ધાશ્રમોની સંખ્યા 376 પર પહોંચી, દર પાંચ દિવસે એક નવું કેન્દ્ર ઉમેરાયું

ગુજરાતમાં સંયુક્ત પરિવારો તૂટતા વૃદ્ધાશ્રમોની સંખ્યામાં ઝડપી વધારો થયો છે. 2026ના આંકડા મુજબ રાજ્યમાં 376 વૃદ્ધાશ્રમ, સિનિયર લિવિંગ અને કેર સેન્ટર નોંધાયા છે, જે બે વર્ષ પહેલાં 235 હતા. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા શહેરોમાં ખાનગી બંગલાઓમાં પણ વૃદ્ધાશ્રમો બન્યા છે. અમદાવાદમાં 86 સંસ્થાઓ સાથે આ ટ્રેન્ડનું મુખ્ય કેન્દ્ર બન્યું છે.

ગુજરાતમાં સંયુક્ત પરિવારની વ્યવસ્થા બદલાઈ રહી છે અને તેની સૌથી મોટી અસર વૃદ્ધોના જીવનમાં જોવા મળી રહી છે. સંતાનો નોકરી-ધંધા કે વિદેશમાં સ્થાયી થવાથી એકલા પડતા માતા-પિતા માટે વૃદ્ધાશ્રમ હવે માત્ર નિરાધાર વૃદ્ધો માટેની જગ્યા રહ્યા નથી. શહેરોમાં ખાનગી, ટ્રસ્ટ સંચાલિત અને સિનિયર-કેર હોમ્સની સંખ્યા એટલી ઝડપથી વધી રહી છે કે દર ત્રણ દિવસે સરેરાશ એક વૃદ્ધાશ્રમ આકાર લઈ રહ્યું છે.

સામાન્ય રીતે આપણે ત્યાં કોઈ વિશાળ જગ્યાઓમાં વૃદ્ધાશ્રમ જેવી જગ્યાઓ આવેલી હોય છે, પરંતુ હવે નાના નાના પ્રાઈવેટ બંગલાઓમાં જ સંખ્યાબંધ વૃદ્ધાશ્રમો ગુજરાતના મોટા શહેરોમાં જોઈ શકાય છે. અખબારનગર, વાડજ, વસ્ત્રાપુર જેવા વિસ્તારોમાં વૃદ્ધાશ્રમ માટે બંગલા અને તેનામેન્ટની માંગ વધી છે. 2026ના બિઝનેસ-લિસ્ટિંગ ડેટા પ્રમાણે ગુજરાતમાં આશરે પ્રાઈવેટ અને સંસ્થાકીય 376 વૃદ્ધાશ્રમ, સિનિયર લિવિંગ અને સંબંધિત કેર સેન્ટર નોંધાયેલા છે.

બે વર્ષ પહેલાંના ઉપલબ્ધ અહેવાલોમાં સંખ્યા 235થી વધુ દર્શાવવામાં આવી હતી. જે સ્પષ્ટ કરે છે કે વૃદ્ધ સંભાળનું ક્ષેત્ર ઝડપથી વિસ્તરી રહ્યું છે. જેમાં બે વર્ષના ગાળામાં થયેલા વધારા 140 જેટલી નવી સંસ્થાઓ ઉમેરાઈ હોવાથી સરેરાશ ગણતરીએ ગુજરાતમાં દર પાંચેક દિવસે એક નવી વૃદ્ધ સંભાળ સંસ્થા ઉમેરાઈ હોય તેવો ટ્રેન્ડ દેખાય છે. આ ગણતરીને સત્તાવાર વૃદ્ધાશ્રમની સંખ્યા નહીં, પરંતુ ઉપલબ્ધ લિસ્ટિંગ આધારિત અંદાજ તરીકે જોવો જરૂરી છે.

અમદાવાદ આ ટ્રેન્ડનું સૌથી મોટું કેન્દ્ર બન્યું છે. પહેલી એપ્રિલ 2026ના લિસ્ટિંગ ડેટામાં અમદાવાદમાં આશરે 86, સુરતમાં 63, વડોદરામાં 48, રાજકોટમાં 23 અને જૂનાગઢમાં 17 સંસ્થાઓ દર્શાવવામાં આવી છે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ મળીને 220 જેટલી સંસ્થાઓ થાય છે. ગુજરાત સરકારની સમાજ સુરક્ષા વિભાગની સત્તાવાર યાદીમાં પણ અમદાવાદ, ભાવનગર, વડોદરા, રાજકોટ, ભ્રમનગર, જૂનાગઢ, કચ્છ, દાહોદ, નર્મદા, પંચમહાલ, પાટણ અને સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં વૃદ્ધાશ્રમોની વિગતો આપવામાં આવી છે.

અમદાવાદમાં એક સમયે માત્ર 15 જેટલા વૃદ્ધાશ્રમ હતા. જેની સંખ્યા ક્રમશઃ 42 સુધી પહોંચી હતી. પરંતુ હવે વિવિધ ડિરેક્ટરીઓમાં 86 જેટલી સંસ્થાઓનું લિસ્ટિંગ છે. જોકે તેમાં ઓલ્ડ એજ હોમ ઉપરાંત સિનિયર લિવિંગ, આસિસ્ટેડ લિવિંગ અને અન્ય કેર સેન્ટરોનો સમાવેશ છે.