ગુજરાતમાં સંયુક્ત પરિવારની પરંપરા ધીમે ધીમે બદલાઈ રહી છે. સંતાનો નોકરી કે ધંધા માટે અન્ય શહેરો કે વિદેશમાં સ્થાયી થતાં માતા-પિતા એકલા પડી રહ્યા છે. આ કારણે વૃદ્ધોની સંભાળ રાખતી ખાનગી અને ટ્રસ્ટ સંચાલિત સંસ્થાઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. ગુજરાતમાં હજુ આ સેવા મુખ્યત્વે શહેરોમાં જ કેન્દ્રિત છે, પણ તેનો વ્યાપ સ્પષ્ટ રીતે વધ્યો છે.
વર્ષ 2026ના બિઝનેસ-લિસ્ટિંગ ડેટા પ્રમાણે, ગુજરાતમાં હાલ આશરે 376 ખાનગી અને સંસ્થાકીય વૃદ્ધાશ્રમો, સીનિયર લિવિંગ સ્પેસ અને કેર સેન્ટરો નોંધાયેલા છે. બે વર્ષ પહેલાં જે સંખ્યા 235થી વધુ હતી. એટલે કે, છેલ્લા બે વર્ષમાં આશરે 140 નવી સંસ્થાઓ ઉમેરાઈ છે. સરેરાશ ગણતરી કરીએ તો ગુજરાતમાં દર પાંચ દિવસે વૃદ્ધોની સંભાળ રાખતું એક નવું કેન્દ્ર ખૂલી રહ્યું છે.
આ નેટવર્કનું સૌથી મોટું કેન્દ્ર અમદાવાદ છે. વર્ષ 2026ના ડેટા અનુસાર અમદાવાદમાં 86, સુરતમાં 63, વડોદરામાં 48, રાજકોટમાં 23 અને જૂનાગઢમાં 17 લિસ્ટેડ વૃદ્ધાશ્રમ છે. માત્ર અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ મળીને 220 જેટલી સંસ્થાઓ છે. અમદાવાદમાં એક સમયે માત્ર 15 વૃદ્ધાશ્રમ હતા, પછી તે 42 થયા અને હવે વિવિધ ડિરેક્ટરીઓમાં 86 જેટલી સંસ્થાઓનું લિસ્ટિંગ છે. આમાં ઓલ્ડ એજ હોમ, આસિસ્ટેડ લિવિંગ, સીનિયર કેર હોમ્સ અને સ્પેશિયલ કેર સેન્ટરોનો સમાવેશ થાય છે.
અમદાવાદમાં અખબાર નગર, વાડજ, નારણપુરા અને વસ્ત્રાપુર જેવા વિસ્તારોમાં વૃદ્ધાશ્રમ કે સીનિયર લિવિંગ સ્પેસ માટે બંગલા અને ટેનામેન્ટની માંગ પણ નોંધપાત્ર રીતે વધી છે. આ દર્શાવે છે કે વૃદ્ધ સંભાળ હવે માત્ર નિરાધારો માટેનું આશ્રયસ્થાન નથી રહ્યું, પણ એક સેવા ક્ષેત્ર તરીકે વિકસી રહ્યું છે.
ગુજરાત સરકારના સમાજ સુરક્ષા વિભાગની સત્તાવાર યાદીમાં પણ અમદાવાદ, ભાવનગર, વડોદરા, રાજકોટ, જામનગર, જૂનાગઢ, કચ્છ, દાહોદ, નર્મદા, પંચમહાલ, પાટણ અને સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં વૃદ્ધાશ્રમોની વિગતો દર્શાવાઈ છે. બદલાતી જીવનશૈલી, વિદેશ વસવાટ અને એકલવાયા જીવનના કારણે સર્જાયેલી વૃદ્ધોની સામાજિક મુશ્કેલી આજે એક ઝડપથી વિકસતા સેવા ક્ષેત્રમાં ફેરવાઈ ગઈ છે.
ગુજરાતના મુખ્ય શહેરોમાં લિસ્ટેડ વૃદ્ધાશ્રમો: અમદાવાદ 86, સુરત 63, વડોદરા 48, રાજકોટ 23, જૂનાગઢ 17. ચાર મુખ્ય શહેરોમાં કુલ 220 અને સમગ્ર ગુજરાતમાં અંદાજે 376. (આંકડા 24 સપ્ટેમ્બર 2026 સુધીના)