સત્ય. સાહસ. સંકલ્પ.

ગુજરાતમાં ગરમીનો ઉછાળો: કંડલા એરપોર્ટ 37.8°C સાથે સૌથી ગરમ, આગામી 7 દિવસ વરસાદની શક્યતા નહિવત્

ગુજરાતમાં ગરમીનો ઉછાળો: કંડલા એરપોર્ટ 37.8°C સાથે સૌથી ગરમ, આગામી 7 દિવસ વરસાદની શક્યતા નહિવત્

ગુજરાતમાં ચોમાસું વિદાય લેવા સાથે જ ગરમીનો પારો ઉપર ચઢ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં રાજ્યના તાપમાનમાં સરેરાશ 2 ડિગ્રી સેલ્સિયસ જેટલો વધારો નોંધાયો છે અને આગામી સાત દિવસ વાતાવરણ મોટાભાગે સૂકું રહેવાની શક્યતા છે. રાજ્યમાં હાલ વરસાદ લાવે તેવી કોઈ સક્રિય હવામાન પ્રણાલી નથી.

શહેરોની વાત કરીએ તો, 30 સપ્ટેમ્બરે 35.8°C તાપમાન સાથે સુરેન્દ્રનગર રાજ્યનું સૌથી ગરમ શહેર હતું. પરંતુ 1 ઓક્ટોબરે કંડલા એરપોર્ટ પર તાપમાનમાં 2.4°Cનો મોટો ઉછાળો આવ્યો અને તે 37.8°C સાથે રાજ્યનું સૌથી ગરમ સ્થળ બન્યું. ભૂજ, ડીસા અને સુરેન્દ્રનગરમાં પણ તાપમાન 37.2°C સુધી પહોંચ્યું હતું.

અમદાવાદમાં 36°C અને ગાંધીનગરમાં 35.4°C તાપમાન નોંધાયું. દીવ જેવા દરિયાકાંઠાના વિસ્તારમાં પણ બીજા દિવસે 1.2°Cથી 2.0°C સુધીનો વધારો જોવા મળ્યો હતો. બીજી તરફ ઓખા (31.2°C) અને દ્વારકા (30.6°C) જેવા દરિયાકાંઠાના વિસ્તારોમાં હવામાન નીચું અને સ્થિર રહ્યું. ઓખામાં બંને દિવસ તાપમાન સમાન જળવાઈ રહ્યું, જ્યારે દ્વારકામાં સામાન્ય ઘટાડો નોંધાયો.

આ ચોમાસાની સિઝનમાં રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 11 ટકા વરસાદની ઘટ નોંધાઈ છે. સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં આ ઘટ 24 ટકા જેટલી છે. ચોમાસાની વિદાયની પ્રક્રિયા આગળ વધતાં વરસાદની શક્યતાઓ ઘટી રહી છે અને હવામાન ધીમે ધીમે સૂકું બની રહ્યું છે.

હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા મુજબ, હાલમાં અલ-નીનોની મજબૂત સિસ્ટમ સક્રિય છે અને તેની અસર વર્ષના અંત સુધી જોવા મળી શકે છે. આ અસરને કારણે ઓક્ટોબર મહિનામાં તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની શક્યતા છે. એટલે કે ચોમાસાની વિદાય બાદ ઓક્ટોબરમાં રાજ્યમાં ગરમી સામાન્યથી વધુ અનુભવાઈ શકે છે.