ગુજરાતમાં ભાડા વિધેયકના વિરોધની આગ અને વકીલોના આંદોલનનો વિવાદ હજુ થાળે પડ્યો નથી, ત્યાં હવે નોટરીઓ પણ લડતના મૂડમાં આવી ગયા છે. નોટરીઓ પાસેથી સોગંદનામાં કરવા સહિતની સંબંધિત સત્તાઓ લઈને મામલતદાર-તલાટીને આપી દેવાતાં અને નોટરી ટિકિટ મેળવવામાં વર્ષોથી પડતી હાલાકીને લીધે નોટરીઓએ હવે આકરા પાણીએ ઉતરવાનું નક્કી કર્યું છે.
અમદાવાદ ખાતે ન્યુ નોટરી ચેરિટેબલ એસોસીએશનની મળેલી બેઠકમાં નોટરીઓએ સરકારને સાફ ચેતવણી આપી છે કે, જો પાંચ દિવસમાં તેમના પ્રશ્નોનું નિરાકરણ નહીં લાવવામાં આવે તો તેઓ રાજ્યના તમામ વકીલમંડળો અને રાજ્યભરના નોટરીઓને સાથે લઈને ઉગ્ર આંદોલન કરશે.
નોટરીઓ દ્વારા નાગરિકોને વિવિધ કાનૂની અને દસ્તાવેજી સેવાઓ પૂરી પાડવામાં આવે છે, જેમાં વિદ્યાર્થીઓના એફિડેવિટ, આવકના દાખલા સંબંધિત એફિડેવિટ, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટના એફિડેવિટ, પાસપોર્ટ સંબંધિત એફિડેવિટ તેમજ ભાડાકરાર માટે જરૂરી મંજૂરી અને કરારો જેવી કામગીરીનો સમાવેશ થાય છે.
છેલ્લા ઘણા સમયથી સરકારે નોટરીઓ પાસેથી મોટાભાગની કામગીરી-સત્તા છીનવી લીધી છે અને મોટાભાગના આવા સોગંદનામાંની સત્તા મામલતદાર તેમ જ તલાટીને આપી દીધી છે. મેરેજ રજિસ્ટ્રેશન એફિડેવિટની સત્તા પણ જે નોટરીઓ પાસે હતી તે પણ એક નોટિફિકેશન દ્વારા બંધ કરી દેવાઈ છે અને તે માટે પક્ષકારોએ હવે સીધા મેજિસ્ટ્રેટ સમક્ષ જવું પડે છે. સરકારના આવા વિવાદિત અને મનસ્વી નિર્ણયના કારણે આજે પરિસ્થિતિ એ થઈ છે કે, નોટરીઓ પાસે જાણે કોઈ કામ જ રહ્યું નથી. જિલ્લા-તાલુકા કક્ષાના નોટરીઓ તો કામ માટે જાણે વલખાં મારી રહ્યા છે.
આ જ પ્રકારે, કોઈપણ લીગલ નોટરાઇઝ્ડ ડોક્યુમેન્ટ્સ પર 50 રૂપિયાની સ્ટેમ્પ લગાવવી નોટરીઓ તેમજ વકીલો-પક્ષકારો માટે ફરજિયાત હોય છે. વર્ષે દહાડે લાખોની સ્ટેમ્પનો વપરાશ થતો હોય છે અને હજારોની સંખ્યામાં આવા નોટરાઇઝ્ડ એફિડેવીટ્સ, કરાર, કોમર્શીયલ કોન્ટ્રાક્ટ સહિતના દસ્તાવેજો થતાં હોય છે.
એટલું જ નહીં, ધી કાંટા ફોજદારી કોર્ટથી લઈ ભદ્ર સીટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટથી લઈ બધી કોર્ટો પણ શહેર વિસ્તારમાં છે, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે, નોટરીઓ માટે આ સ્ટેમ્પ વિતરણ માટે શહેરી વિસ્તારમાં કોઈ વ્યવસ્થા જ નથી. જેના કારણે નોટરીઓ તેમ જ વકીલો-પક્ષકારોને આવી સ્ટેમ્પ ફરજિયાત લગાવવી પડતી હોઈ તે મેળવવા માટે છેક ગુજરાત હાઇકોર્ટ સુધી લાંબા થવું પડે છે. હાઇકોર્ટમાંથી પણ નોટરીઓને મર્યાદિત ટિકિટ અપાય છે, જેના કારણે નોટરીઓને હાઇકોર્ટ સુધીના વારંવારના ધક્કા અને મર્યાદિત ટિકિટની હાડમારી વેઠવાનો વારો આવ્યો છે. આ મામલે સરકારમાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પરિણામ આવ્યું નથી.
નોટરીઓની વર્ષો જૂની માંગણીઓમાં વિવિધ પ્રકારના સોગંદનામાં અને દસ્તાવેજોની સત્તા નોટરીઓને પાછી આપવી, મેરેજ રજિસ્ટ્રેશન એફિડેવીટની સત્તા જૂની પદ્ધતિ પ્રમાણે નોટરીઓને પરત કરવી, નોટરીઓને સરળતાથી અને પૂરતી માત્રામાં ટિકિટો ઉપલબ્ધ કરાવવી, નોટરી ટિકિટ મેળવવા ભદ્ર સેશન્સ કોર્ટ, મેટ્રો કોર્ટ અથવા ડિસ્ટ્રીક કોર્ટમાં કાઉન્ટર ઊભા કરવા અને નોટરીઓ માટે પણ વકીલોની જેમ વિશેષ બેઠક વ્યવસ્થા અને જરૂરી સુવિધા ઉપલબ્ધ કરાવવાનો સમાવેશ થાય છે.