રાજ્યમાં 1 ઓક્ટોબરથી UCC કાયદો લાગુ: સમાન નાગરિક સંહિતા (UCC) 1 ઓક્ટોબરથી રાજ્યમાં અમલમાં આવી છે. આ કાયદા હેઠળ લિવ-ઇન સંબંધમાં જન્મેલા બાળકો કાયદેસર ગણાશે. વસિયત ન હોય તો સંપત્તિમાં પેરેન્ટ્સનો ભાગ ગણાશે.
રાજ્યભરમાં UPI પેમેન્ટ બંધ: આજે ગાંધી જયંતિ નિમિત્તે વેપારીઓએ MDR ચાર્જમાંથી મુક્તિની માંગ સાથે રાજ્યભરમાં UPI પેમેન્ટ બંધ રાખ્યું છે. રાજકોટ અને વડોદરામાં વેપારીઓએ QR કોડ મશીન પર કાળું કપડું ઢાંક્યું હતું.
સુરતમાં ગૌહત્યા વિરોધે અહિંસા માર્ચ: ગૌહત્યા અટકાવવાની માંગ સાથે સુરતમાં અહિંસા માર્ચ યોજાઈ. સાધુ-સંતો અને હજારો જીવદયાપ્રેમીઓ બેનરો સાથે જોડાયા. ગુજરાત ગૌરક્ષા આયોગના ચેરમેને કહ્યું કે ભાજપ ગાયનું પૂંછડું પકડી સત્તાના શિખરે પહોંચ્યું, પણ ગૌહત્યા ન અટકી.
અમરેલીમાં વિફરેલી સિંહણ 12 કલાકે પાંજરે: અમરેલીમાં સિંહણે એક બાદ એક પાંચ લોકો પર હુમલો કર્યો. 12 કલાકની જહેમત બાદ વનવિભાગે સિંહણને પાંજરે પૂરી. સિંહણને હડકવા હોવાની આશંકા છે.
સુરત-ઉદયપુર વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી: સુરતથી ઉદયપુર જતી પ્રથમ સેમી હાઈસ્પીડ વંદે ભારત ટ્રેનનું 4 ઓક્ટોબરથી સંચાલન શરૂ થશે. આ ટ્રેન સાત કલાકમાં ઉદયપુર પહોંચશે. ચેર કારનું ભાડું ₹1,515 અને એક્ઝિક્યુટિવનું ₹2,720 રહેશે.
અરવલ્લીમાં પોલીસ અને બિશ્નોઈ ગેંગ વચ્ચે ફાયરિંગ: અરવલ્લીમાં પોલીસ અને બિશ્નોઈ ગેંગ વચ્ચે ફરી ફાયરિંગ થયું. પોશડોડા લઈને જતી સ્કોર્પિયોને રોકતા આરોપીએ બે રાઉન્ડ ફાયરિંગ કર્યું, જવાબમાં પોલીસે તેના પગમાં ગોળી મારી. 10 દિવસમાં આ બીજી ઘટના છે.
અમદાવાદના બાપૂનગરમાં વિદ્યાર્થિનીઓ પર હુમલો: બાપૂનગરમાં એક વિદ્યાર્થીએ વિદ્યાર્થિનીને માર મારતા તે બેભાન થઈ ગઈ. બીજી વિદ્યાર્થિનીની સાઈકલ તોડી નાખી. વિદ્યાર્થી ઘૂરતો હોવાથી વિદ્યાર્થિનીએ ફરિયાદ કરતા તેણે આ કૃત્ય કર્યું. લઘુમતી સમાજના સગીરને સ્કૂલે એલસી પકડાવ્યું.
દ્વારકાના જામ કલ્યાણપુરમાં જમીન વિવાદમાં ફાયરિંગ: દ્વારકાના જામ કલ્યાણપુરમાં જમીન વિવાદમાં કૌટુંબિક ભાઈઓ વચ્ચે ફાયરિંગ થયું. માથાકૂટ બાદ થયેલા ફાયરિંગમાં 2 લોકોને ગોળી વાગી. ઘાયલોને સારવાર માટે ખસેડાયા.
અમદાવાદના નવરંગપુરામાં ડેપ્યુટી TDO સામે ઝપાઝપી: નવરંગપુરામાં ગેરકાયદે PGની અગાઉની રજૂઆતનો જવાબ માંગવા ગયેલા ડેપ્યુટી TDOએ NSUI કાર્યકર્તાની ગરદન પકડી ઝપાઝપી કરી. સાથે જ બહાર મળશે તો જોઈ લઈશની ધમકી આપી.
AC ડોમમાં ગરબા માટે ફાયર NOC ફરજિયાત: અમદાવાદમાં AC ડોમમાં ગરબા માટે ફાયર NOC ફરજિયાત રહેશે. અમદાવાદ ફાયર વિભાગ સરપ્રાઈઝ ચેકિંગ અને ફોટોગ્રાફી કરશે. નિયમભંગ બદલ તાત્કાલિક એક્શન લેવાશે.