ગુજરાતમાં 19 સપ્ટેમ્બર 2026ના રોજ બનેલી મુખ્ય ઘટનાઓ પર એક નજર.
બનાસકાંઠા જિલ્લાના વાવ-થરાદ વિસ્તારમાં એક વૃદ્ધ વ્યક્તિએ જીવતા સમાધિ લીધી હોવાની ચર્ચા સ્થાનિક લોકોમાં ચર્ચાનો વિષય બની છે. કહેવાય છે કે તેમણે સમાધિ લેતા પહેલા એક વીડિયો રેકોર્ડ કર્યો હતો. વૃદ્ધ ક્યાં ગયા તે અંગે હાલ કોઈ સ્પષ્ટ માહિતી મળી નથી. લોકોએ તેમની શોધખોળ અને તપાસની માગ કરી છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તા સામે NSUIએ વિદેશ પ્રવાસ દરમિયાન થયેલી ખરીદી મુદ્દે વિરોધ નોંધાવ્યો છે. NSUIના આક્ષેપ મુજબ, દુબઈ અને અમેરિકાના પ્રવાસ દરમિયાન કરેલી વ્યક્તિગત ખરીદીના બિલ ગુજરાત યુનિવર્સિટીમાં રજૂ કરવામાં આવ્યા હતા. બિલોમાં લિપસ્ટિક, કપડાં અને બ્યુટી પ્રોડક્ટ સહિતની વસ્તુઓનો સમાવેશ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. NSUIએ જવાબદારી નક્કી કરવાની માગ કરી છે.
અમદાવાદમાં AMTSની બે બસો પર એક જ નંબરની પ્લેટ હોવાનો વિવાદ સર્જાયો છે. બંને બસો પર GJ 27 TJ 3550 નંબરની પ્લેટ લાગેલી હોવાનું સામે આવ્યું છે. સ્થાનિક વ્યક્તિએ આ અંગે પોલીસને જાણ કરી હતી. મેઘાણીનગર પોલીસે તપાસ શરૂ કરી છે. RTO ટેક્સ બચાવવા માટે નંબર પ્લેટમાં ગેરરીતિ થઈ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને ભાજપે તૈયારીઓ તેજ કરી છે. આજે ભાજપની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ રહી છે. ચૂંટણી પ્રભારી અને નિરીક્ષકોની અધ્યક્ષતામાં બપોરે 2 વાગ્યાથી બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીનગર ભાજપ સાથે સંકળાયેલા આશરે 100 હોદ્દેદારો સાથે સંકલન કરવામાં આવશે. ઉમેદવારોની પસંદગીના ધારાધોરણો અંગે પણ ચર્ચા થશે. આગામી સોમવારથી ઉમેદવારોને સાંભળવાની પ્રક્રિયા શરૂ થશે.
રાજકોટની મારવાડી કોલેજમાં 19 વર્ષીય વિદ્યાર્થીનીએ 10મા માળેથી ઝંપલાવી આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. અલ્લા વ્યંકટેશ સૌબર્નિકા નામની વિદ્યાર્થીનીના મોતથી કેમ્પસમાં ચકચાર મચી છે. આપઘાતનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. કુવાડવા પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો છે. પરિવારજનોના નિવેદન સહિતની તપાસ ચાલુ છે.
અમદાવાદના નિકોલ વિસ્તારમાં બેફામ કારચાલકે પાર્ક કરેલી ગાડીઓને ટક્કર મારી હતી. માધવ બંગ્લોઝ પાસે પૂરઝડપે આવેલી કારે રસ્તા પર પાર્ક કરેલી ગાડીઓને અડફેટે લીધી હતી. અકસ્માત બાદ કારચાલક ફરાર થઈ ગયો હતો. ઘટનાના દ્રશ્યો નજીકના CCTV કેમેરામાં કેદ થયા છે. પોલીસે ફૂટેજના આધારે આરોપીની શોધખોળ શરૂ કરી છે.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં બળવંતપુરા ફાટક પાસે ટ્રેનની અડફેટે એક વિદ્યાર્થિનીનું મોત થયું હોવાની કરુણ ઘટના સામે આવી છે. અકસ્માત અંગે વધુ તપાસ ચાલુ છે.