ગુજરાતમાં નવા વર્ષના પાવન દિવસે યાત્રાધામોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. સોમનાથમાં વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. ડાકોર, અંબાજી અને ઉંઝાના ઉમિયા માતા મંદિરમાં પણ ભક્તોની ભારે ભીડ હતી.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના થલતેજમાં પોતાના નિવાસસ્થાને નવા વર્ષની ઉજવણી કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં પંચદેવ મંદિરે પહોંચીને દર્શન અને પૂજા-અર્ચના કરી હતી. સુરતમાં સી.આર. પાટીલના સ્નેહમિલન સમારોહમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં હતાં.
સુરતમાં લક્ઝુરિયસ કારનો જબરો ક્રેઝ જોવા મળ્યો છે. ગણેશ ચતુર્થીથી લઈને દિવાળી સુધીના તહેવારોમાં સુરતીઓએ ₹1143 કરોડના વાહનો ખરીદીને નવો રેકોર્ડ બનાવ્યો છે. ટોપ-50 લક્ઝુરી કાર પાછળ સુરતીઓએ ₹36 કરોડ ખર્ચ્યા છે. આ લિસ્ટમાં ₹3.39 કરોડની રેન્જ રોવર સૌથી મોંઘી કાર છે.
વર્ષો જૂની પરંપરા મુજબ નવા વર્ષે ફટાકડા ફોડી ગાયોને ગોવાળ પાછળ દોડાવવામાં આવી હતી. સુરેન્દ્રનગરના પાટડી, આદરીયાણા, ધામા, નગવાડા, વડગામ અને પાનવા તેમજ પાટણના સમી તાલુકાના ગોધાણા ગામે રાજા-રજવાડાના સમયથી ચાલી આવતી આ પરંપરા હજુ પણ યથાવત છે.
નવા વર્ષના પાવન પર્વે માઁ બહુચરને પરંપરાગત સુવર્ણ થાળમાં રાજભોગ અર્પણ કરાયો હતો. ગાયકવાડ શાસનકાળથી ચાલી આવતી વર્ષો જૂની પરંપરા મુજબ વર્ષમાં માત્ર બે જ વાર સોનાના વાસણોમાં માતાજીને થાળ ધરાવવામાં આવે છે.
ખંભાતના મેતપુરમાં 21 વર્ષીય યુવતીના મોત પ્રકરણમાં પિતા જ હત્યારો નીકળ્યો છે. પુત્રીના પ્રેમસંબંધથી નારાજ પિતાએ દિવાળીની રાત્રે દુપટ્ટા વડે ગળું દબાવી હત્યા કરી નાખી હતી.
ખેડાના ઠાસરામાં મોબાઈલ ચોરને પકડવા દોડેલો યુવક તળાવમાં ડૂબી જવાથી મોત પાજ્યું હતું. પાન પાર્લર પર એક અજાણ્યા શખસે દિવ્યાંક યુવક સાથે મારામારી કરી મોબાઈલ લૂંટી લીધો હતો. આરોપીને પકડવા યુવક તેની પાછળ દોડ્યો હતો, દરમિયાન તળાવમાં પડી જતાં તેનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું.
આજે વહેલી સવારે અમદાવાદના નિકોલ વિસ્તારમાં સીઝનલ અને ફટાકડા માર્કેટમાં આગ લાગી હતી. કેટલાક વાહનો પણ આગની ચપેટમાં આવી ગયા હતા. ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.
રાજકોટમાં દિવાળીની રાત્રે દુકાન બહાર ફટાકડા ફોડવા જેવી બાબતે એક શખ્સે પોતે 'PSIનો પુત્ર' હોવાની કહી મહિલા વેપારી અને તેમના ભાગીદાર સાથે બોલાચાલી કરી હતી. બાદમાં દુકાન પર પથ્થરમારો કરી ઝપાઝપી કરી હતી. જે મુદ્દે પોલીસે ફરિયાદ દાખલ કરી છે.
તળાજાના રાળગોન ગામના બગદાણા રોડ પર કાર અને થ્રી-વ્હીલ ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે અને ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે.