વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 ઑક્ટોબર 2026ના રોજ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગુજરાતમાં બે નવી રેલ સેવાઓનું ઉદ્ઘાટન કરશે. આ સેવાઓમાં સાબરમતી-વારાણસી એક્સપ્રેસ અને મહેસાણા-બેચરાજી-સાબરમતી મેમુ ટ્રેનનો સમાવેશ થાય છે.
સાબરમતી સ્ટેશન ખાતે યોજાનાર કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રીઓ, સાંસદ, ધારાસભ્ય અને અમદાવાદના મેયર હાજર રહેશે. બેચરાજી સ્ટેશન ખાતે પણ સાંસદ અને ધારાસભ્ય સહિતના મહાનુભાવો હાજર રહેશે.
અમદાવાદ મંડળના ડીઆરએમના જણાવ્યા મુજબ, “વડાપ્રધાનના નેતૃત્વમાં ભારતીય રેલવે મુસાફર-કેન્દ્રીત પરિવહન વ્યવસ્થા તરફ આગળ વધી રહી છે. સાબરમતી-વારાણસી એક્સપ્રેસથી ગુજરાત, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ વચ્ચે રેલ કનેક્ટિવિટી મજબૂત થશે અને કાશી વિશ્વનાથ દર્શને જતા શ્રદ્ધાળુઓને મોટી સુવિધા મળશે. જ્યારે મહેસાણા-બેચરાજી-સાબરમતી મેમુથી ઉત્તર ગુજરાતના દૈનિક મુસાફરો, વિદ્યાર્થીઓ, વેપારીઓ અને યાત્રાધામ બહુચરાજી જતા દર્શનાર્થીઓને ઉત્તમ સગવડ મળશે.”
સાબરમતી-વારાણસી એક્સપ્રેસ: નવી ટ્રેન નંબર 12205/12206 સાબરમતી-વારાણસી એક્સપ્રેસ ગુજરાત, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના પ્રમુખ શહેરોને જોડશે. આ ટ્રેન દૈનિક ચાલશે.
ટ્રેન નં. 12205 સાબરમતીથી સવારે 05:20 વાગ્યે ઊપડશે અને બીજા દિવસે સવારે 06:30 વાગ્યે વારાણસી પહોંચશે.
ટ્રેન નં. 12206 વારાણસીથી સાંજે 17:30 વાગ્યે ઊપડશે અને બીજા દિવસે રાત્રે 20:15 વાગ્યે સાબરમતી પહોંચશે.
મુખ્ય સ્ટોપેજ: મહેસાણા, પાલનપુર, આબુરોડ, ફાલના, મારવાડ જંક્શન, બ્યાવર, અજમેર, કિશનગઢ, જયપુર, ગાંધીનગર જયપુર, બાંદીકુઈ, મંડાવર મહવા રોડ, ખેડલી, નદબઈ, ભરતપુર, ઇદગાહ, આગ્રા જંક્શન, ટુંડલા, ગોવિંદપુરી, સૂબેદારગંજ અને મિર્ઝાપુર.
મહેસાણા-બેચરાજી-સાબરમતી મેમુ ટ્રેન:
સવારની સેવા: સાબરમતીથી સવારે 06:40 વાગ્યે ઊપડીને 08:05 વાગ્યે બેચરાજી અને 09:45 વાગ્યે મહેસાણા પહોંચશે. વળતી ટ્રેન મહેસાણાથી સાંજે 16:40 વાગ્યે ઊપડીને 17:49 વાગ્યે બેચરાજી અને રાત્રે 20:30 વાગ્યે સાબરમતી પહોંચશે.
સાંજની સેવા: સાબરમતીથી સાંજે 17:05 વાગ્યે ઊપડીને 18:48 વાગ્યે બેચરાજી અને રાત્રે 20:25 વાગ્યે મહેસાણા પહોંચશે. વળતી ટ્રેન મહેસાણાથી સવારે 07:05 વાગ્યે ઊપડીને 07:50 વાગ્યે બેચરાજી અને 10:20 વાગ્યે સાબરમતી પહોંચશે.
સ્ટોપેજ: ચાંદખેડા, કલોલ, કડી, ભોયણી, કટોસણ રોડ, બેચરાજી, ચાણસ્મા અને રણુજ.
આ બંને નવી રેલ સેવાઓથી પ્રવાસન, સ્થાનિક વેપાર, ઉદ્યોગો અને સામાજિક-આર્થિક વિકાસને નવી ગતિ મળશે.