સત્ય. સાહસ. સંકલ્પ.

નવા OSH કોડ: 50થી વધુ કર્મચારીઓ હોય તો ઘોડિયાઘર ફરજિયાત, 100થી વધુ હોય તો કેન્ટીન

નવા OSH કોડ: 50થી વધુ કર્મચારીઓ હોય તો ઘોડિયાઘર ફરજિયાત, 100થી વધુ હોય તો કેન્ટીન

ઉદ્યોગો માટે નવો ઓક્યુપેશનલ સેફટી એન્ડ વર્કિંગ કન્ડિશન્સ (OSH) કોડ લાગુ કરવામાં આવ્યો છે. આ નવા કાયદા અંગે ઉદ્યોગોના પ્રતિનિધિઓને જાણકારી મળે તે માટે લઘુ ઉદ્યોગ ભારતી સંસ્થાએ વડોદરામાં એક સેમિનારનું આયોજન કર્યું હતું.

સેમિનારમાં રાજ્ય સરકારના ઈન્ડસ્ટ્રિયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગના ડાયરેક્ટર પી. એમ. શાહે જણાવ્યું કે, હવે ઉદ્યોગમાં 50થી વધુ કર્મચારીઓ કામ કરતા હોય તો ત્યાં ઘોડિયાઘર (ક્રેશ) રાખવું ફરજિયાત રહેશે. 100 કે તેથી વધુ કર્મચારીઓ હોય તો ઉદ્યોગોએ કેન્ટીનની સુવિધા આપવી પડશે.

ઓવરટાઇમની મર્યાદા પણ વધારવામાં આવી છે. ત્રણ મહિનામાં ઓવરટાઇમની મર્યાદા 75 કલાકથી વધારીને 144 કલાક કરવામાં આવી છે. એક મહત્વના બદલાવ હેઠળ મહિલા કર્મચારીઓ પણ હવે નાઈટ શિફ્ટમાં ફરજ બજાવી શકશે, પરંતુ તેમણે આ માટે લેખિત સંમતિ આપવી પડશે. ઉદ્યોગોએ તેમની સુરક્ષા માટેના ધારાધોરણોનું પાલન થાય તે સુનિશ્ચિત કરવું પડશે.

શાહે વધુમાં કહ્યું કે, વર્ષમાં એક વાર કર્મચારીઓનું મેડિકલ પરીક્ષણ પણ ઉદ્યોગોએ કરાવવું પડશે.

ઉદ્યોગોને રાહત આપતી જોગવાઈ એ છે કે નવા કાયદાનું પાલન કરવા માટે તેમને 30 દિવસનો સમય મળશે. આ 30 દિવસમાં ઉદ્યોગોએ કાયદાનું પાલન કર્યાના પુરાવા રજૂ કરવાના રહેશે. જો આ સમયગાળામાં પાલન ન થાય તો બીજા 30 દિવસની મુદત આપવામાં આવશે, પરંતુ સાથે વિલંબ બદલ નક્કી કરેલી રકમ ભરવી પડશે.

નવા નિયમો કઈ કઈ કેટેગરીના ઉદ્યોગોને લાગુ પડશે તે અંગે ડાયરેક્ટરે જણાવ્યું કે, 20થી વધુ કર્મચારીઓ હોય અને પાવરનો ઉપયોગ કરીને ઉત્પાદન થતું હોય તેવા ઉદ્યોગો, 40થી વધુ કર્મચારીઓ હોય પરંતુ પાવર વગર ઉત્પાદન થતું હોય તેવા ઉદ્યોગો, અને 10થી વધુ તથા 20થી ઓછા કર્મચારીઓ હોય પણ જોખમી વસ્તુઓનું ઉત્પાદન થતું હોય તેવા ઉદ્યોગોને આ નિયમો લાગુ પડશે. આ ત્રણેય કેટેગરી ગણતરીમાં લેવામાં આવે તો ગુજરાતમાં 50,000થી વધુ ઉદ્યોગોને નવા કાયદા લાગુ પડશે.

નવા કાયદાનું પાલન કરાવવા માટે સરકાર આગામી દિવસોમાં નવી યોજના લાવવાની તૈયારી કરી રહી છે. તેના ભાગરૂપે ઉદ્યોગો પોતાના ઉદ્યોગમાં તમામ જોગવાઈઓનું પાલન થયું છે તેવી ઓનલાઈન બાહેંધરી આપી શકશે. સાથે જ ઈન્ડસ્ટ્રિયલ હેલ્થ એન્ડ સેફટી વિભાગ દ્વારા ઉદ્યોગોમાં આકસ્મિક (સરપ્રાઈઝ) ઈન્સ્પેક્શન પણ કરવામાં આવશે.