સત્ય. સાહસ. સંકલ્પ.

નવરાત્રિ પર મહિલાઓને મોટી ભેટ: 18 હજાર ગામોમાં અમૂલ મિલ્ક પાર્લર, 136 ગ્રામહાટ શરૂ

નવરાત્રિ પર મહિલાઓને મોટી ભેટ: 18 હજાર ગામોમાં અમૂલ મિલ્ક પાર્લર, 136 ગ્રામહાટ શરૂ

ગાંધીનગર: નવરાત્રિના પાવન પર્વ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની મહિલાઓને મોટી ભેટ આપી છે. રાજકોટથી તેમણે રાજ્યના 27 જિલ્લાઓમાં બસ સ્ટેશનો પર સખીમંડળ દ્વારા સંચાલિત 136 'ગ્રામહાટ'નું ઈ-લોકાર્પણ કર્યું હતું. સાથે જ મહિલાલક્ષી યોજનાઓ અને ત્રિદિવસીય 'સરસ મેળા'નો પ્રારંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમમાં રાજ્યભરમાંથી હજારો બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

ગ્રામ્ય વિસ્તારની બહેનો દ્વારા તૈયાર કરવામાં આવતી હસ્તકલાની વસ્તુઓ અને ગૃહ ઉદ્યોગની ખાદ્ય સામગ્રીને હવે સીધું અને મોટું બજાર મળશે. બસ સ્ટેશન અને રેલવે સ્ટેશન પર આ ઉત્પાદનોના વેચાણ માટે વિશેષ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, જે વડાપ્રધાનના 'વોકલ ફોર લોકલ' મંત્રને સાર્થક કરશે.

આ ઉપરાંત, કાર્યક્રમમાં મોટી જાહેરાત કરવામાં આવી કે રાજ્યના 18,000 ગામડાઓમાં મહિલા સંચાલિત અમૂલ મિલ્ક પાર્લર શરૂ કરવામાં આવશે. આ માટે ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની (GLPC) અને અમૂલ વચ્ચે 13 MOU પણ કરવામાં આવ્યા છે.

જનમેદનીને સંબોધતા મુખ્યમંત્રીએ કહ્યું કે, "સરકાર અનેક યોજનાઓ લાવે છે, પણ લોકો તેનો પૂરેપૂરો લાભ લેતા નથી." તેમણે ઉમેર્યું કે, "મોટાભાગે એવું બને છે કે ઘરમાં જ્યારે કોઈ બીમારી આવે ત્યારે જ લોકો આયુષ્માન કાર્ડ કઢાવવા દોડાદોડી કરે છે. જો લોકો સરકારી યોજનાઓ પ્રત્યે પહેલેથી જાગૃત રહેશે, તો સરકાર હંમેશાં નાગરિકોની પડખે ઊભી છે."

મુખ્યમંત્રીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો નિર્ધાર મહિલાઓને માત્ર લાભાર્થી બનાવવાનો નથી, પરંતુ તેમને દેશના વિકાસમાં 'ડેવલપમેન્ટ પાર્ટનર' બનાવવાનો છે. રાજ્યની બહેનો સફળ ડિજિટલ ઉદ્યોગ સાહસિક બની શકે તે માટે NIFT, MICA અને EDII જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓ દ્વારા ખાસ મેન્ટરશિપ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. ગર્વની વાત છે કે ગુજરાતમાં અત્યાર સુધીમાં 8.5 લાખથી વધુ બહેનો 'લખપતિ દીદી' બની ચૂકી છે.

કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે, ગુજરાતમાં 3 લાખથી વધુ સખી મંડળો થકી મહિલાઓ આત્મનિર્ભર અને સશક્ત બની રહી છે. ગ્રામ વિકાસ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ આંકડા સાથે કહ્યું કે છેલ્લા 5 વર્ષમાં રાજ્યભરમાં 236 સરસ મેળા યોજાયા છે, જેમાં 8,500 સ્વસહાય જૂથોએ અંદાજે 40 કરોડ રૂપિયાનું વેચાણ કર્યું છે, જે મહિલાઓની આર્થિક પ્રગતિ દર્શાવે છે.

બહેનોની આવક વધે તે હેતુથી વિવિધ સ્વસહાય જૂથોને અમૂલ પાર્લરના એલોટમેન્ટ લેટર, 45 લાખ રૂપિયા અને ડેરી સાથે સંકળાયેલા જૂથોને 40 લાખ રૂપિયાના કેશ ક્રેડિટ ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. સાથે જ ઈ-કોમર્સ ઇન્સેન્ટિવ પેટે 1,08,640 રૂપિયાના ચેક પણ અપાયા હતા.

અંત્યોદયના ભાવ સાથે રાજકોટ જિલ્લાના વિચરતી વિમુક્ત જાતિના 139 પરિવારોને રહેઠાણ માટે મફત પ્લોટની ફાળવણી પણ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવી હતી.

કાર્યક્રમની શરૂઆતમાં GLPCના MD પ્રશસ્તિ પારીકે સ્વાગત પ્રવચન કર્યું હતું. આ પ્રસંગે સાંસદ પરશોત્તમ રૂપાલા, ધારાસભ્યો, મેયર, કલેક્ટર સહિતના પદાધિકારીઓ અને સખી મંડળની બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીએ બહેનો સાથે સીધો સંવાદ પણ કર્યો હતો, જેમાં બહેનોએ વિનામૂલ્યે સ્ટોલ આપવા બદલ સરકારનો આભાર માન્યો હતો.