ગુજરાતમાં નવરાત્રિ પર્વ દરમિયાન શાંતિ અને સુરક્ષા જાળવવા પોલીસે રાજ્યભરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે. આ વર્ષે રાજ્યમાં 22 હજારથી વધુ સ્થળે ગરબા મહોત્સવોનું આયોજન થયું છે, જ્યાં લાખો ખેલૈયા ગરબે ઘૂમશે. તેને ધ્યાને રાખીને પોલીસ વડાએ તમામ જિલ્લા પોલીસ વડાઓ અને પોલીસ કમિશનરોને એલર્ટ રહેવા અને પેટ્રોલિંગ વધારવા સૂચના આપી છે.
મહિલાઓ અને યુવતીઓની સુરક્ષા માટે 'શી-ટીમ' તૈનાત કરવામાં આવી છે. ભીડભાડવાળા રસ્તાઓ, શોપિંગ ઝોન અને પાર્ટી પ્લોટ્સમાં સાદા કપડાં તેમજ યુનિફોર્મમાં મહિલા પોલીસકર્મીઓ ફરજ બજાવશે. ઉપરાંત, ગરબા ગ્રાઉન્ડમાં પરંપરાગત વેશમાં સજ્જ મહિલા પોલીસકર્મીઓની 'શી-ટીમ' સતત વોચ રાખશે. ખેલૈયાઓના વેશમાં આવીને છેડતી, અસભ્ય વર્તન કે હેરાનગતિ કરનારા તત્વો સામે સ્થળ પર જ કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
તહેવારો દરમિયાન ડિજિટલ માધ્યમો દ્વારા સામાજિક સૌહાર્દ ડહોળવાના કોઈપણ પ્રયાસને ડામી દેવા માટે સાયબર ક્રાઈમ પોલીસ સંપૂર્ણ સજ્જ છે. દેવી-દેવતાઓ વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી, બિભત્સ સામગ્રી કે ધાર્મિક લાગણી દુભાવતા વીડિયો-ઓડિયો વાઈરલ કરનારા અસામાજિક તત્વો પર આધુનિક ટૂલ્સ દ્વારા 24 કલાક મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. કોઈપણ પ્રકારની અફવા ફેલાવનાર સામે આઈ.ટી. એક્ટની કડક કલમો હેઠળ તાત્કાલિક એફઆઈઆર નોંધી ધરપકડ કરવામાં આવશે.
તમામ ગરબા આયોજકો માટે સ્પષ્ટ સુરક્ષા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જે મુજબ પ્રવેશ અને નિકાસ માટે અલગ ગેટ, સમગ્ર પરિસરમાં હાઈ-ડેફિનેશન CCTV કેમેરા, ડોરફ્રેમ મેટલ ડિટેક્ટર, હેન્ડ હેલ્ડ મેટલ ડિટેક્ટર અને બ્રેથ એનાલાઈઝરની વ્યવસ્થા ફરજિયાત રહેશે. ગુજરાત પોલીસે નાગરિકોને કોઈપણ શંકાસ્પદ હિલચાલ કે કટોકટીના સમયે તાત્કાલિક સ્થાનિક પોલીસ કંટ્રોલ રૂમ અથવા ઈમરજન્સી હેલ્પલાઈન નંબર 112 પર સંપર્ક કરવા અપીલ કરી છે.