ગુજરાતમાં નવરાત્રી શરૂ થઈ છે અને ગરબા માટે તૈયારી ચાલી રહી છે, ત્યારે હવામાન વિભાગે રાજ્યના 14 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જારી કર્યું છે. હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રની તાજી 'નાઉકાસ્ટ' આગાહી મુજબ બપોરે 4 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી આ જિલ્લાઓમાં હળવો વરસાદ અને ગાજવીજ થઈ શકે છે.
સૌરાષ્ટ્રમાં પોરબંદર, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, અમરેલી, ભાવનગર અને બોટાદ જિલ્લામાં વરસાદની શક્યતા છે. મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં અમદાવાદ, આણંદ, ડાંગ, તાપી, છોટાઉદેપુર, દાહોદ અને નર્મદા જિલ્લાનો સમાવેશ થાય છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ વરસાદની તીવ્રતા કલાક દીઠ 5 મિલીમીટરથી ઓછી રહેવાની ધારણા છે, એટલે ભારે વરસાદની શક્યતા ઓછી છે. પવનની ઝડપ 40 કિલોમીટર પ્રતિ કલાકથી નીચે રહેશે. જમીન પર વીજળી પડવાની શક્યતા 30 ટકાથી પણ ઓછી છે.
આ હળવા વરસાદથી નીચાણવાળા રસ્તાઓ પર પાણી ભરાઈ શકે છે અને ટ્રાફિકમાં આંશિક અવરોધ થઈ શકે છે. ખુલ્લામાં રાખેલા પાકને હળવું નુકસાન થવાની શક્યતા છે, તેથી ખેડૂતોને પાક સલામત સ્થળે ખસેડવાની સલાહ આપવામાં આવી છે. પશુપાલકોને પણ ઢોરઢાંખર સલામત છાપરા નીચે રાખવા જણાવાયું છે.
ગરબા મંડપોના આયોજકો અને ખેલૈયાઓ માટે આ ચિંતાનું કારણ છે. ગાજવીજ સાથે પવન ફૂંકાવાથી ડેકોરેશનને અસર પહોંચી શકે છે. ખેલૈયાઓને આશા છે કે વરસાદ વહેલી તકે વિરામ લેશે, જેથી રાત્રિના ગરબા નિર્વિઘ્ને થઈ શકે.