સત્ય. સાહસ. સંકલ્પ.

નવરાત્રિ શરૂ: અમદાવાદમાં ગરબા મંજૂરીમાં લોચો, રાજકોટમાં વિવાદ, સુરતમાં બાળકીના મોત

નવરાત્રિ શરૂ: અમદાવાદમાં ગરબા મંજૂરીમાં લોચો, રાજકોટમાં વિવાદ, સુરતમાં બાળકીના મોત

ગઈકાલથી નવરાત્રિના પર્વની શરૂઆત થઈ છે. રાજ્યભરમાં ઉત્સાહનો માહોલ છે, પરંતુ કેટલીક ઘટનાઓએ ચિંતા અને વિવાદને પણ જન્મ આપ્યો છે.

અમદાવાદમાં ગરબા આયોજનને લઈને લોચો: અમદાવાદમાં ગરબા આયોજનની 92 અરજીઓમાંથી માત્ર 40 ને જ મંજૂરી મળી છે. અડધા આયોજકોને ફાયર NOC અને પોલીસ મંજૂરી મળી નથી. આથી છેલ્લી ઘડીએ ફાયર વિભાગના અધિકારીઓએ તપાસ કરવી પડશે.

ભદ્રકાળી મંદિરમાં ભીડ: પહેલા નોરતે અમદાવાદના ભદ્રકાળી મંદિરમાં 'જય અંબે'ના નાદ સાથે હજારો ભક્તો ઉમટ્યા. ચુસ્ત સુરક્ષા વચ્ચે દર્શનની વ્યવસ્થા ગોઠવાઈ હતી.

રાજકોટમાં 'લવ જિહાદ' વિરોધી પોસ્ટરો: નવરાત્રિને લઈને હિન્દુ સંગઠનો સક્રિય થયા છે. રાજકોટના જુદા-જુદા વિસ્તારોમાં 'લવ જિહાદ' વિરોધી પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. હિંદુ જાગરણ મંચે ગરબા આયોજનોમાં તપાસ કરવાની ચેતવણી આપી છે.

ડો. હર્ષ આપઘાત કેસમાં નવો ઘટસ્ફોટ: સુરતમાં ડો. હર્ષના આપઘાત કેસમાં પોલીસે બે મહિલા ડોક્ટરની ધરપકડ કરી છે. ભાવનગરની દિક્ષીતા ઘેવરીયા અને રાજુલાની હિના ભૂતની ધરપકડ કરવામાં આવી છે. અન્ય બે આરોપીઓ હજુ ફરાર છે.

રાજકોટમાં ગંભીર અકસ્માત: રાજકોટમાં એક કારચાલકે એક્ટિવા પર જતા માતા-પુત્રને ઉલાળ્યા. આ અકસ્માતમાં મહિલાનો પગ કપાઈ ગયો. ગરબા રમીને પરત ફરતા યુવક-યુવતીઓ કારમાં હતા.

અમદાવાદમાં નકલી CISF અધિકારી ઝડપાયો: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે લાલ દરવાજા પાસે નકલી CISF અધિકારીની ધરપકડ કરી છે. પંજાબનો યુવક CISFના DSPનું નકલી આઈકાર્ડ લગાવીને રોફ જમાવતો હતો.

સુરતમાં ખુલ્લી ગટરમાં બાળકીનું મોત: સુરતમાં ખુલ્લી ગટરમાં 9 મહિનાની માસૂમ બાળકી રમતા-રમતા પડી જતાં તેનું મોત નીપજ્યું. દીકરી ગુમાવતાં માતા આઘાતમાં છે. અગાઉ અમદાવાદમાં પણ આવી ઘટના બની હતી.

સુરતમાં વિશાળ દુર્ગા મુખાકૃતિ: સુરતના ડભારી બીચ પર 2 કરોડની 71 બાઇક્સથી માં દુર્ગાની વિશાળ મુખાકૃતિ બનાવવામાં આવી છે. તિલક અને આંખના નવા વર્લ્ડ રેકોર્ડની અપેક્ષા છે.