ગાંધીનગર: ગુજરાત સરકારે ખરીફ પાક બચાવવા માટે નર્મદા યોજના અને સુજલામ-સુફલામ યોજના હેઠળ વધુ પાણી આપવાનો નિર્ણય કર્યો છે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવી પણ વિડિયો કોન્ફરન્સ દ્વારા જોડાયા હતા.
બેઠકમાં અલ નીનોની સ્થિતિને ધ્યાનમાં રાખીને આગામી સમયના પાણી વ્યવસ્થાપન અંગે ચર્ચા કરવામાં આવી હતી. સરકારે ત્રણ મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. પ્રથમ, મહી કમાન્ડ વિસ્તારમાં સિંચાઈ માટે નર્મદા યોજનામાંથી 20 દિવસ માટે 5,000 ક્યુસેક પાણી આપવાનું નક્કી કર્યું છે. બીજું, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સૌની યોજનાની લિંક-1 મારફતે અપાતું પાણી વધુ 10 દિવસ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. ત્રીજું, ઉત્તર ગુજરાતમાં સુજલામ-સુફલામ પાઇપલાઇન યોજના મારફતે અપાતું 2,000 ક્યુસેક પાણી વધુ 15 દિવસ સુધી આપવાનું નક્કી થયું છે.
બેઠકમાં વરસાદની અછત અને પાણીની ઉપલબ્ધતા પર અલ નીનોની અસરો અંગે પણ ચર્ચા થઈ હતી. મુખ્ય પ્રધાને સ્પષ્ટ સૂચના આપી છે કે જો પર્યાપ્ત વરસાદ ન થાય તો પીવાના પાણીની જરૂરિયાતને સૌથી વધુ પ્રાથમિકતા આપવામાં આવે. શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં, ખાસ કરીને પાણીની અછતવાળા વિસ્તારોમાં પીવાના પાણીનો પુરવઠો સુચારુ રહે તે માટે તમામ વ્યવસ્થા કરવા અધિકારીઓને નિર્દેશ આપ્યો છે.
મુખ્ય પ્રધાને અધિકારીઓને જળસંસાધનોનો કાર્યક્ષમ અને કરકસરપૂર્વક ઉપયોગ કરવા તાકીદ કરી છે. તેમણે રાજ્યના નાગરિકો અને ખેડૂતોને પણ પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા અને જળસંરક્ષણમાં સહયોગ આપવા અપીલ કરી છે.