સત્ય. સાહસ. સંકલ્પ.

નર્મદાનું પાણી: સૌરાષ્ટ્ર, મહી કમાન્ડ અને ઉત્તર ગુજરાતના ખેડૂતોને રાહત માટે સરકારી આદેશ

નર્મદાનું પાણી: સૌરાષ્ટ્ર, મહી કમાન્ડ અને ઉત્તર ગુજરાતના ખેડૂતોને રાહત માટે સરકારી આદેશ

ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્યમાં વરસાદ ખેંચાવાની સ્થિતિને ધ્યાનમાં રાખીને જળ વ્યવસ્થાપન અંગે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ વિડિયો કોન્ફરન્સથી જોડાયા હતા. ખેડૂતોના ખરીફ પાકને નુકસાનીથી બચાવવા નર્મદા યોજનામાંથી તાત્કાલિક વધારાનું પાણી ફાળવવાના નિર્ણયો લેવાયા છે.

મહી કમાન્ડ વિસ્તારમાં સિંચાઈ માટે આગામી 20 દિવસ સુધી સતત 5,000 ક્યુસેક પાણી આપવાનો નિર્ણય લેવાયો છે. સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં 'સૌની યોજના'ની લિંક-1 મારફતે અપાતું નર્મદાનું પાણી વધુ 10 દિવસ સુધી ચાલુ રાખવામાં આવશે. ઉત્તર ગુજરાતમાં સુજલામ-સુફલામ પાઇપલાઇન મારફતે 2,000 ક્યુસેક પાણી આગામી 15 દિવસ સુધી આપવાનો નિર્ણય લેવાયો છે.

બેઠકમાં પીવાના પાણીના પ્રશ્ને પણ ચર્ચા થઈ. મુખ્યમંત્રીએ સૂચના આપી છે કે જો પૂરતો વરસાદ ન પડે તો નાગરિકો માટે પીવાના પાણીની જરૂરિયાતને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવે. સંવેદનશીલ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં પીવાના પાણીનો પુરવઠો અવિરત ચાલુ રહે તે માટે તંત્રને તાકીદ કરવામાં આવી છે. તમામ વિભાગો અને જિલ્લા અધિકારીઓને જળસ્થિતિ પર સતત નજર રાખવા અને જળસંસાધનોનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા આદેશ અપાયો છે.

રાજ્ય સરકાર પરિસ્થિતિ પર નજર રાખી રહી છે અને જરૂરિયાત મુજબ વધુ પગલાં લેવા વહીવટી તંત્ર સજ્જ છે.