ગુજરાત સરકારે શહેરોની સ્વચ્છતા અંગે કડક વલણ અપનાવ્યું છે. સ્વચ્છ ભારત મિશન અર્બનના ફ્લાઈંગ સ્ક્વોડે વિવિધ શહેરોમાં અચાનક તપાસ કરી. આ તપાસમાં ઘણી જગ્યાએ ગંદકી અને વ્યવસ્થામાં ગંભીર ખામી મળી આવી. આના પગલે નાણા વિભાગે રાજ્યની તમામ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને ચેતવણી આપી છે.
નાણા વિભાગના પત્રમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે, ફ્લાઈંગ સ્ક્વોડની તપાસમાં જો સ્વચ્છતા સંબંધિત કોઈપણ ક્ષતિ કે બેદરકારી મળશે, તો સરકાર તરફથી ફાળવવામાં આવતી ગ્રાન્ટ રોકી દેવામાં આવશે. એટલે કે, સ્વચ્છતામાં ખામી રહેતાં હવે પાલિકાઓને મળતા વિકાસ ભંડોળ પર સીધી અસર પડશે.
પાલિકાઓ માટે કયા નિયમો ફરજિયાત કરવામાં આવ્યા છે?
૧) ૧૦૦% ડોર-ટુ-ડોર કલેક્શન અને પ્રોસેસિંગ: શહેરી વિસ્તારોમાં ૧૦૦ ટકા કચરાનું કલેક્શન થાય અને દરરોજ એકઠા થતા કચરાનું યોગ્ય પ્રોસેસિંગ થાય તે માટે તાત્કાલિક વ્યવસ્થા ઊભી કરવા આદેશ આપવામાં આવ્યો છે.
૨) વિઝિબલ ક્લીનલિનેસ અને GVP મુક્ત શહેર: શહેરમાં જાહેર સ્થળોએ કચરો એકઠો થતો હોય તેવા GVP (ગાર્બેજ વલ્નરેબલ પોઈન્ટ્સ) સંપૂર્ણપણે દૂર કરવાના રહેશે. સાથે જ ‘વિઝિબલ ક્લીનલિનેસ’ એટલે કે આંખે દેખાય તેવી સ્વચ્છતા જાળવવી પડશે.
૩) લેગેસી વેસ્ટનો નિકાલ અને જમીનનો ઉપયોગ: વર્ષોથી પડેલા જૂના કચરાનો (લેગેસી વેસ્ટ) ૧૦૦ ટકા નિકાલ કરી ડમ્પ સાઈટ મુક્ત બનાવવાનું લક્ષ્ય આપવામાં આવ્યું છે. માત્ર કચરો હટાવવાથી કામ પૂરું નહીં થાય, પણ ખુલ્લી થયેલી જગ્યાનો યોગ્ય ઉપયોગ કરવો પણ ફરજિયાત રહેશે.
૪) હાઈ-ટ્રાફિક ઝોન પર વિશેષ નજર: શહેરના પ્રવેશદ્વારો, પ્રવાસન સ્થળો, ધાર્મિક સ્થાનો અને વધુ ભીડવાળા વિસ્તારો (CTU)માં ગંદકી ન દેખાય તે માટે ઝોનવાર વિશેષ ગોઠવણ કરવી પડશે.
આ આદેશમાં સ્વચ્છતાની જવાબદારી માત્ર મ્યુનિસિપલ કમિશનરો કે ચીફ ઓફિસરો પૂરતી મર્યાદિત રાખવામાં આવી નથી. ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓને ‘લીડ ફેસિલિટેટર’ તરીકે ભૂમિકા ભજવવા અને દિવસમાં ઓછામાં ઓછું એક વખત પોતાના વિસ્તારની ફિલ્ડ વિઝિટ કરવા સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત, સ્ટેન્ડિંગ કમિટી, સામાન્ય સભા અને કમિશનર/ચીફ ઓફિસર સાથેની સમીક્ષા બેઠકોમાં સ્વચ્છતાના મુદ્દાને પ્રાથમિકતા પર રાખવા આદેશ કરાયો છે.
ટૂંકમાં, ફ્લાઈંગ સ્ક્વોડના રિપોર્ટ બાદ હવે રાજ્યની તમામ પાલિકાઓ માટે ગ્રાન્ટ મેળવવા સ્વચ્છતાનું સરકારી ધોરણ જાળવવું અનિવાર્ય બની ગયું છે.