સત્ય. સાહસ. સંકલ્પ.

ગુજરાતમાં ખેડૂતો માટે ટેકાના ભાવ જાહેર: મગફળી, મગ, અડદ, સોયાબીન

ગુજરાતમાં ખેડૂતો માટે ટેકાના ભાવ જાહેર: મગફળી, મગ, અડદ, સોયાબીન

ગુજરાત સરકારે ખરીફ સિઝન 2026-27 માટે મગફળી, મગ, અડદ અને સોયાબીનના ટેકાના ભાવ જાહેર કર્યા છે. આ યોજના હેઠળ ખેડૂતોને તેમના પાકનો યોગ્ય ભાવ મળી શકે તે માટે સરકાર આ પાકોની ખરીદી કરશે.

નોંધણી 10 સપ્ટેમ્બર 2026 થી 9 ઓક્ટોબર 2026 સુધી ઈ-ગ્રામ કેન્દ્રો પર વિનામૂલ્યે કરી શકાશે. આ નોંધણી કેન્દ્ર સરકારની 'પીએમ આશા' (પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન) યોજના હેઠળ થશે.

જાહેર કરાયેલા ટેકાના ભાવ આ મુજબ છેઃ

- મગફળી: રૂ. 7517 પ્રતિ ક્વિન્ટલ (રૂ. 1503.40 પ્રતિ મણ)
- મગ: રૂ. 8780 પ્રતિ ક્વિન્ટલ (રૂ. 1756 પ્રતિ મણ)
- અડદ: રૂ. 8200 પ્રતિ ક્વિન્ટલ (રૂ. 1640 પ્રતિ મણ)
- સોયાબીન: રૂ. 5708 પ્રતિ ક્વિન્ટલ (રૂ. 1141.60 પ્રતિ મણ)

ખેડૂતો પોતાની સુવિધા મુજબ બે રીતે નોંધણી કરાવી શકે છે. તેઓ પોતાના સ્માર્ટફોનથી gjfr.agristack.gov.in પોર્ટલ પર જઈને અથવા 'ફાર્મર રજીસ્ટ્રી ગુજરાત' મોબાઈલ એપ ડાઉનલોડ કરીને નોંધણી કરી શકે છે. વૈકલ્પિક રીતે, તેઓ ગામના વી.સી.ઇ., વી.એલ.ઇ. ઓપરેટર, સી.એસ.સી. સેન્ટર્સ અથવા ગ્રામસેવક પાસે જઈને પણ નોંધણી કરાવી શકે છે.

નોંધણી વખતે ખેડૂતોને તેમના તમામ સર્વે નંબરનો સમાવેશ કરાવવાની સલાહ આપવામાં આવી છે, કારણ કે ફાર્મર્સ રજીસ્ટ્રેશન હેઠળ આવરી લીધેલ સર્વે નંબરનો વિસ્તાર જ ધ્યાને લેવાશે.

ચુકવણી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા સીધી ખેડૂતોના બેંક ખાતામાં કરવામાં આવશે. તેથી તમામ ખેડૂતોએ તેમના બેંક ખાતામાં આધાર સીડીંગ ફરજિયાત કરાવીને એક્ટિવ રાખવું જરૂરી છે, જેથી ચૂકવણીમાં કોઈ વિલંબ ન થાય.

રાજ્યના તમામ મગફળી, મગ, અડદ અને સોયાબીન ઉગાડતા ખેડૂતોને સમયસર નોંધણી કરાવીને આ યોજનાનો મહત્તમ લાભ લેવા અપીલ કરવામાં આવી છે.