ગુજરાતમાં ખરીફ માર્કેટિંગ સીઝન 2026-27 માટે ખેડૂતો પાસેથી લઘુતમ ટેકાના ભાવ (MSP) પર ડાંગર, મકાઈ, બાજરી, જુવાર અને રાગીની સીધી ખરીદી કરવામાં આવશે. ટેકાના ભાવે પાક વેચવા ઇચ્છતા ખેડૂતોએ ઓનલાઇન નોંધણી કરાવવી ફરજિયાત રહેશે.
ખેડૂતોની ઓનલાઇન નોંધણી 2 ઓક્ટોબર 2026થી 31 ઓક્ટોબર 2026 દરમિયાન કરવામાં આવશે. જ્યારે નોંધણી કરાવનારા ખેડૂતો પાસેથી નિયત પાકની ખરીદી 16 નવેમ્બર 2026થી 15 જાન્યુઆરી 2027 સુધી કરવામાં આવશે.
ભારત સરકાર દ્વારા ખરીફ માર્કેટિંગ સીઝન 2026-27 માટે વિવિધ પાકોના MSP જાહેર કરવામાં આવ્યા છે. તે મુજબ ડાંગર (કોમન) માટે ₹2,441 પ્રતિ ક્વિન્ટલ, ડાંગર (ગ્રેડ-A) માટે ₹2,461, મકાઈ માટે ₹2,410, બાજરી માટે ₹2,900 સાથે ₹300 બોનસ, જુવાર (હાઈબ્રિડ) માટે ₹4,023 સાથે ₹300 બોનસ, જુવાર (માલદંડી) માટે ₹4,073 સાથે ₹300 બોનસ અને રાગી માટે ₹5,205 સાથે ₹300 બોનસ નક્કી કરવામાં આવ્યો છે.
રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને તેમના પાકનું પોષણક્ષમ વળતર મળી રહે તે હેતુથી આ ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ મારફતે કરવામાં આવશે.
MSP પર પાક વેચવા ઇચ્છતા ખેડૂતોની નોંધણી રાજ્યભરમાં ગ્રામ્ય કક્ષાએ VCE (Village Computer Entrepreneur) મારફતે કરવામાં આવશે. નોંધણી દરમિયાન ખેડૂત ખાતેદારનું બાયોમેટ્રિક ઓથેન્ટીકેશન કરવામાં આવશે. તેથી ટેકાના ભાવે પાક વેચવા માંગતા ખેડૂતોએ નિયત સમયગાળા દરમિયાન ગ્રામ પંચાયતનો સંપર્ક કરીને ઓનલાઇન નોંધણી કરાવવાની રહેશે.
ઓનલાઇન નોંધણી કરાવવા માટે ખેડૂતોએ આધાર કાર્ડની નકલ, તાજેતરનો ગામ નમૂનો, 7/12 ઉતારો, 8-અની નકલ, પાકની વાવણીની નોંધ 7/12 અથવા 8-અમાં ન હોય તો તલાટીના સહી-સિક્કા સાથેનો દાખલો, ખેડૂતના નામનું બેંક ખાતું અને બેંક પાસબુકની ઝેરોક્સ અથવા કેન્સલ ચેક સાથે રાખવાના રહેશે.
ટેકાના ભાવે ખરીદી માટે નોંધણી કરાવનારા ખેડૂતોને પાકની ખરીદી અંગે SMS દ્વારા જાણ કરવામાં આવશે. ખરીદીના સમયે ખેડૂતે પોતાનું આધાર કાર્ડ અથવા અન્ય માન્ય ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે. ખેડૂત ખાતેદારનું બાયોમેટ્રિક ઓથેન્ટીકેશન થયા બાદ જ પાકનો જથ્થો ખરીદવામાં આવશે.
નોંધણી દરમિયાન ખેડૂતો દ્વારા રજૂ કરવામાં આવેલા દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવશે. જો ચકાસણી દરમિયાન ખોટા અથવા અયોગ્ય દસ્તાવેજો અપલોડ કરવામાં આવ્યા હોવાનું સામે આવશે તો સંબંધિત ખેડૂતનો ક્રમ રદ થઈ શકે છે અને ખરીદી માટે તેમને SMS દ્વારા જાણ કરવામાં આવશે નહીં.
નિગમ દ્વારા ખેડૂતોને સમયસર નોંધણી કરાવી લેવા અપીલ કરવામાં આવી છે. નોંધણી પ્રક્રિયા અંગે વધુ માહિતી માટે ખેડૂતો હેલ્પલાઇન નંબર 85111 71718 અને 85111 71719 પર સંપર્ક કરી શકે છે.