ગુજરાતના સાંસદોની ગ્રાન્ટમાંથી ખરીદવામાં આવેલા મેડિકલ સાધનો, સ્ટ્રીટલાઇટ અને આરઓ પ્લાન્ટમાં કરોડો રૂપિયાની અનિયમિતતા ઉજાગર થઈ છે. દિવ્ય ભાસ્કરના ઇન્વેસ્ટિગેશનમાં જાણવા મળ્યું છે કે બજારમાં 15થી 40 લાખ રૂપિયામાં મળતું આંખનું મશીન સરકારી ચોપડે 80 લાખમાં ખરીદવામાં આવ્યું છે. આ ઉપરાંત, 40 હજારમાં ઊભો થતો સ્ટ્રીટલાઇટ પોલ પોણા બે લાખમાં ચૂકવવામાં આવ્યો છે, અને સોલાર આરઓ પ્લાન્ટના નામે 5-5 લાખ રૂપિયા ખર્ચવામાં આવ્યા છે.
અમદાવાદમાં લોકસભાની બે બેઠકો છે – અમદાવાદ પશ્ચિમ અને અમદાવાદ પૂર્વ. આ બંને સાંસદોની ગ્રાન્ટમાંથી મેડિકલ ઇક્વિપમેન્ટ ખરીદવામાં લાખો રૂપિયા ખર્ચાયા હોવાનું સરકારી રેકોર્ડમાં દર્શાવ્યું છે. અમે વિવિધ હોસ્પિટલોમાં જઈને આ ઇક્વિપમેન્ટ શોધ્યું, તો જુદું જ સત્ય સામે આવ્યું.
સૌથી પહેલાં વાત અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠકના ભાજપ સાંસદ દિનેશ મકવાણાની. 2024ની લોકસભા ચૂંટણી બાદ તેમને 14.7 કરોડ રૂપિયા ગ્રાન્ટ પેટે મળ્યા. આ ગ્રાન્ટમાંથી ઘણા પ્રોજેક્ટ શરૂ થયા, પણ 81 લાખ 22 હજાર રૂપિયા ખર્ચીને માત્ર 2 કામ પૂર્ણ કર્યા. આ બેમાંથી એક કામ હતું એમ.જે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપ્થેલ્મોલોજી (સરકારી આંખની હોસ્પિટલ)માં એક મશીન ફાળવવાનું, જેની કિંમત 80 લાખ રૂપિયા બતાવાઈ. બીજું કામ માત્ર 1 લાખ 22 હજારમાં થયું.
80 લાખના મશીનની સત્યતા જાણવા અમે અસારવા સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી સરકારી આંખની હોસ્પિટલે પહોંચ્યા. ત્યાં બાયોમેડિકલ એન્જિનિયરને મળવાનો પ્રયાસ કર્યો. ઘણી રાહ જોયા બાદ તેમણે RMO કેબિનમાં મળવા બોલાવ્યા. RMO ડૉ. ઉમંગ મિશ્રા અને બાયોમેડિકલ સુપરવાઇઝર ઝીલ પરમાર હાજર હતા. અમે મશીન રૂબરૂ જોવાની માંગણી કરતાં તેમણે ઓપરેશન ચાલુ હોવાનું કારણ આપી ના પાડી. જોકે, અમારી માંગણી પર તેમણે મશીનના ફોટા પાડીને આપ્યા.
ફોટોગ્રાફ્સ પરથી જાણવા મળ્યું કે આ મશીન Oertli કંપનીનું અને CataRhex 3 મોડેલ છે. ટ્રેડ ઇન્ડિયા પોર્ટલ પર આ મશીનની મૂળ કિંમત 36.50 લાખ રૂપિયા દર્શાવે છે. તેમાં 12% GST ઉમેરતાં પડતર કિંમત 40.88 લાખ રૂપિયા થાય. એટલે સવાલ ઊભો થાય છે કે જે મશીનની બજાર કિંમત 40.88 લાખ છે, તેના માટે સાંસદની ગ્રાન્ટમાંથી 80 લાખ કેમ ચૂકવાયા?
આ મશીન મૂળ સ્વિટ્ઝર્લેન્ડની કંપનીનું છે. ઇમ્પોર્ટ ડેટા ચકાસતાં માલૂમ પડ્યું કે 2024માં અમદાવાદની જ એક કંપનીએ આ પ્રકારનું અન્ય મશીન માત્ર 15 લાખ રૂપિયામાં ઇમ્પોર્ટ કર્યું હતું. તે સમયે ડોલરનો ભાવ 84 રૂપિયા હતો, હાલમાં 95 રૂપિયાની આસપાસ છે.
સરકારી રેકોર્ડ અનુસાર, અમદાવાદ પશ્ચિમના સાંસદના 205 કામો હજુ પેન્ડિંગ છે. આ કામો માટે 1.7 કરોડ રૂપિયા ચૂકવાઈ ચૂક્યા છે, પણ કામ પૂરા થયા નથી.
એ જ રીતે, અમદાવાદ પૂર્વ બેઠકના સાંસદ હસમુખ પટેલની ગ્રાન્ટમાંથી થયેલી એક મશીનની ખરીદી પ્રશ્નો ઊભા કરે છે. હસમુખ પટેલે સોલા સિવિલ હોસ્પિટલના ઓપ્થેલ્મોલોજી ડિપાર્ટમેન્ટમાં પોતાની ગ્રાન્ટમાંથી એક મેડિકલ ડિવાઇસ ફાળવ્યું હતું, જેની કિંમત 49.89 લાખ રૂપિયા સરકારી રેકોર્ડમાં લખેલી છે.
49 લાખના મશીનમાં શું ખાસ છે? આ મશીનનું સત્ય જાણવા અમે સોલા સિવિલ પહોંચ્યા. અમે વહીવટી વિભાગમાં પત્રકાર તરીકે સત્તાવાર ઓળખ આપીને મશીન જોવાની માંગ કરી. ઉપરી અધિકારીઓની મંજૂરી બાદ ઓપરેશન થિયેટરમાં પ્રવેશ મળ્યો અને સ્ટાફની હાજરીમાં મશીનના વિઝ્યુઅલ્સ લીધા. સોલા હોસ્પિટલમાં મુકાયેલા મશીનનું નિરીક્ષણ કર્યું ત્યારે જાણવા મળ્યું કે તેમાં પેન્ટા કેમ ડિવાઇસ તો O... (અહેવાલ અધૂરો છે).