ગુજરાતના સાંસદોએ પોતાના મતવિસ્તારમાં વિકાસના કામો માટે મળતી વાર્ષિક 5 કરોડ રૂપિયાની ગ્રાન્ટ (સાંસદ નિધિ)નો ઉપયોગ કેવી રીતે કર્યો, તેની તપાસમાં મોટા અનિયમો સામે આવ્યા છે. વડોદરા, પાટણ, છોટાઉદેપુર અને સુરત બેઠકના સાંસદોના ખર્ચની ચકાસણીમાં સ્માર્ટ ક્લાસ, સ્માર્ટ બોર્ડ અને સ્માર્ટ બાલવાટિકા જેવા કામોમાં કરોડોની ગોલમાલ થયાનું ધ્યાને આવ્યું છે.
પાટણના સાંસદ ભરતસિંહ ડાભીએ 1 ઓગસ્ટ 2026 સુધીમાં મળેલી ગ્રાન્ટમાંથી 84% ફંડ વાપર્યું છે અને અડધા પ્રોજેક્ટ પૂરા કર્યા છે. તેમણે બે વર્ષમાં 18 શાળાઓને સ્માર્ટ બોર્ડ ફાળવ્યા હતા, જેમાં દરેકનું બિલ એકસરખું 4,98,875 રૂપિયા હતું. આ 18માંથી 5 શાળાઓની મુલાકાત લેવામાં આવી.
સિદ્ધપુર તાલુકાની બિલિયા પ્રાથમિક શાળામાં સ્માર્ટ ક્લાસમાં માત્ર એક સ્માર્ટ બોર્ડ હતું. તે સીપી પ્લસ કંપનીની 55થી 65 ઈંચની ઈન્ટરેક્ટિવ સ્ક્રીન છે, જેને સાદું ટીવી પણ કહી શકાય. સાથે એક CPU, માઉસ, કી-બોર્ડ, ઈનબિલ્ટ સ્પીકર અને સોફ્ટવેર પણ હતું. ઓનલાઈન તપાસમાં જાણવા મળ્યું કે સીપી પ્લસ કંપનીએ આ સેટઅપનું ઉત્પાદન જ બંધ કરી દીધું છે. ઓપન માર્કેટમાં આવા સેટઅપની કિંમત વધુમાં વધુ 1 લાખ રૂપિયા છે. તો પછી 4.98 લાખનું બિલ કેવી રીતે મૂકાયું?
સહેસા પ્રાથમિક શાળામાં બે સ્માર્ટ બોર્ડના બિલ મંજૂર થયા હતા, પરંતુ સ્થળ પર માત્ર એક જ સ્માર્ટ બોર્ડ હતું. સાંસદ નિધિમાં તેને 4.98 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલું 'સ્માર્ટ રૂમ' ગણવામાં આવ્યું છે, પણ વાસ્તવમાં તે માત્ર 'સ્માર્ટ બોર્ડ' જ છે. પાટણના સરસ્વતી તાલુકાની કાનોસણ શાળા અને નાના નાયતા સ્કૂલમાં પણ 'સ્માર્ટ રૂમ'ની આવી જ સ્થિતિ હતી.
વધુમાં, ઠાકોર સમાજની એક સંસ્થા દ્વારા સંચાલિત શાળામાં ત્રણ ક્લાસરૂમ બનાવવામાં આવ્યા છે, જેમાં દરેક ક્લાસરૂમનો ખર્ચ 5 લાખ રૂપિયા બતાવાયો છે. આ આંકડા ચોંકાવનારા છે, કારણ કે 4,98,875 રૂપિયામાં માત્ર સ્માર્ટ ક્લાસનાં સાધનો જ આવે અને તેમાં પણ ગોલમાલની શક્યતા છે.
આ તપાસમાં ચાર જિલ્લાની શાળાઓમાં થયેલા ખર્ચની ગ્રાઉન્ડ રિયાલિટી તપાસવામાં આવી, જેમાં આ અનિયમો ઉજાગર થયા. ચારેય સાંસદોને ઈમેલ મારફતે સવાલ મોકલવામાં આવ્યા હતા, જેમાંથી બે જ સાંસદોએ જવાબ આપ્યો.