સત્ય. સાહસ. સંકલ્પ.

ગુજરાતમાંથી ચોમાસાની વિદાય શરૂ, કચ્છ-સૌરાષ્ટ્રમાં આગામી બે દિવસ વરસાદની શક્યતા

ગુજરાતમાંથી ચોમાસાની વિદાય શરૂ, કચ્છ-સૌરાષ્ટ્રમાં આગામી બે દિવસ વરસાદની શક્યતા

ગુજરાતમાંથી ચોમાસાની વિદાય તબક્કાવાર શરૂ થઈ ગઈ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાંથી ચોમાસું વિદાય લઈ ચૂક્યું છે. આગામી દિવસોમાં રાજ્યના અન્ય વિસ્તારોમાંથી પણ ચોમાસું વિદાય લે તેવી શક્યતા છે.

ચોમાસાની વિદાય શરૂ થઈ હોવા છતાં રાજ્યમાં આગામી સાત દિવસ દરમિયાન સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય હોવાથી ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આગામી બે દિવસ સામાન્ય વરસાદ વરસી શકે છે.

આ ચોમાસાની સિઝનમાં રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 25.48 ઈંચ વરસાદ નોંધાયો છે. જોકે આ આંકડો સામાન્ય વરસાદની સરખામણીએ હજુ 8 ટકા ઓછો છે. ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રમાં વરસાદની ઘટ જોવા મળી રહી છે. આ વિસ્તારોમાં સિઝનનો વરસાદ સામાન્ય કરતાં 21 ટકા ઓછો નોંધાયો છે.

ઝોન પ્રમાણે વરસાદની સ્થિતિ જોઈએ તો કચ્છમાં સામાન્ય વરસાદની સરખામણીએ અત્યાર સુધીમાં 57.60 ટકા વરસાદ નોંધાયો છે. ઉત્તર ગુજરાતમાં 71.04 ટકા અને મધ્ય ગુજરાતમાં 89.68 ટકા વરસાદ થયો છે. સૌરાષ્ટ્રમાં સિઝનનો 71.29 ટકા વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં સામાન્ય કરતાં વધુ, 114.23 ટકા વરસાદ થયો છે.

ચોમાસાની વિદાયની શરૂઆત વચ્ચે આગામી દિવસોમાં થનારો વરસાદ ખેડૂતો માટે મહત્વનો બની શકે છે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં વરસાદની ઘટ હોવાથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ પડનારા વરસાદ પર ખેડૂતોની નજર રહેશે.