હવામાન વિભાગે ગુજરાતમાં આજે 22મીથી 27 સપ્ટેમ્બર સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેલમાર્ક લો-પ્રેશરની અસરને કારણે ઠંડા પવન સાથે વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચન કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. એ.કે. દાસના જણાવ્યા અનુસાર, અત્યારે ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર પર 3.1થી 7.6 કિમીની ઊંચાઈએ સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ બનેલી છે. રાજ્યમાં પવન દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમ દિશા તરફથી આવી રહ્યો છે. બંગાળની ખાડીમાં એક વેલમાર્ક લો પ્રેશર એરિયા બનેલું છે, જે આગામી 24 કલાકમાં ડીપ ડીપ્રેશનમાં ફેરવાઈ શકે છે. તે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધીને 23 સપ્ટેમ્બર સુધીમાં ઉત્તર આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશા કિનારે પહોંચશે.
હવામાન વિભાગના પૂર્વ વૈજ્ઞાનિક એ.ટી. દેસાઈના જણાવ્યા મુજબ, ચોમાસાની વિદાયની શરૂઆત કચ્છથી 20 સપ્ટેમ્બરથી જ થઈ જવી જોઈએ, પરંતુ હજી થઈ નથી. આગામી 5 ઓક્ટોબર સુધીમાં સંપૂર્ણ ગુજરાતમાંથી દક્ષિણ-પશ્ચિમ ચોમાસાનો વિદાય થશે. અમદાવાદમાં 27 સપ્ટેમ્બરના રોજ ચોમાસું વિધિવત રીતે વિદાય લેશે.