ગુજરાતમાં ચોમાસું હવે વિદાય તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 3થી 4 દિવસમાં રાજ્યમાંથી ચોમાસું પરત ખેંચાવાની શરૂઆત થઈ શકે છે. નૈઋત્યના ચોમાસાએ 19મી સપ્ટેમ્બરે વિદાય લેવાની શરૂઆત કરી છે. સૌરાષ્ટ્ર-કચ્છમાંથી 23મી સપ્ટેમ્બર સુધીમાં ચોમાસું પરત ખેંચાય તે માટે સાનુકૂળ સંજોગો હોવાનું જણાવાયું છે.
હાલમાં લો પ્રેશર અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાથી આગામી બે દિવસ પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં પવન સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
ચોમાસાની વિદાયની વચ્ચે અમદાવાદ શહેરમાં પણ આગામી દિવસોમાં હળવા વરસાદની આગાહી છે. અમદાવાદ સહિત કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડી શકે છે. ચોમાસાની વિદાય પહેલાં હવામાનમાં ફેરફાર જોવા મળી શકે છે.
છેલ્લા સમયગાળામાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. દમણમાં 64 મિમી, ખેડામાં 61 મિમી અને અમરેલીમાં 30 મિમી વરસાદ નોંધાયો છે.
રાજ્યમાં સરેરાશ વરસાદ મોસમના સરેરાશ સામે 88 ટકા જેટલો થાય છે. ઝોન વાઇઝ સ્થિતિ જોતાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 113.52 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 88.57 ટકા, ઉત્તર ગુજરાતમાં 70.33 ટકા, સૌરાષ્ટ્રમાં 67.86 ટકા અને કચ્છ ઝોનમાં 57.16 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગની આગાહી વચ્ચે અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યના હવામાન વિભાગે પોતાના નાઉકાસ્ટમાં અમરેલી જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે. સાંજે 4 વાગ્યા સુધી અમરેલી જિલ્લામાં વરસાદની શક્યતા છે. લાઠી બાદ હવે સાવરકુંડલા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. સાવરકુંડલા પંથકમાં સતત ત્રીજા દિવસે મેઘમહેર જોવા મળી રહી છે. શહેર ઉપરાંત આસપાસના ગામડાઓમાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થતાં રસ્તાઓ અને ખેતરોમાં પાણી ભરાયા છે.