દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની વિદાયની રેખા હાલ ડીસા અને નળિયા પરથી પસાર થઈ રહી છે. આ સાથે મધ્ય ઉત્તર પ્રદેશ પર સક્રિય લો પ્રેશર અને સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ આગામી 12 કલાકમાં નબળી પડવાની સંભાવના છે. ગુજરાત પર નીચલા સ્તરે પશ્ચિમી પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે હાલમાં ભારે વરસાદની કોઈ સંભાવના નથી.
હવામાન વિભાગની આગાહી મુજબ, 4 ઓક્ટોબર સુધી દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ તેમજ દમણ અને દાદરા નગર હવેલીના છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત, 30 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર દરમિયાન ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, વાવ-થરાદ અને સૌરાષ્ટ્ર-કચ્છના જામનગર, પોરબંદર, મોરબી તથા દ્વારકા જિલ્લાના અમુક સ્થળોએ હળવો વરસાદ થવાની શક્યતા છે.
અમદાવાદ શહેરમાં આગામી દિવસોમાં આંશિક વાદળછાયું વાતાવરણ જળવાઈ રહેશે. તાજેતરમાં શહેરમાં મહત્તમ તાપમાન 33.9 ડિગ્રી સેલ્સિયસ અને ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. રાજ્યમાં ભાવનગર 34.9 ડિગ્રી સેલ્સિયસ સાથે સૌથી ગરમ શહેર રહ્યું છે.