સત્ય. સાહસ. સંકલ્પ.

ગુજરાતમાંથી 2-3 દિવસમાં ચોમાસાની વિદાય શક્ય, હળવા વરસાદની આગાહી

ગુજરાતમાંથી 2-3 દિવસમાં ચોમાસાની વિદાય શક્ય, હળવા વરસાદની આગાહી

નૈઋત્યના ચોમાસાની વિદાય રેખા હાલ ઉત્તર ગુજરાતના ડીસા અને કચ્છના નલિયા પરથી પસાર થઈ ચૂકી છે. આગામી 2થી 3 દિવસ દરમિયાન ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાંથી ચોમાસું વિધિવત રીતે વિદાય લે તે માટે પરિસ્થિતિ અનુકૂળ બની રહી છે.

આગામી 2 દિવસ દરમિયાન ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ અને વાવ-થરાદ, દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદની સંભાવના છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છના પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, કચ્છ અને દીવના છૂટાછવાયા વિસ્તારોમાં વીજળીના કડકા-ભડકા અને 30થી 40 કિમી/કલાકની ઝડપે ફુંકાતા પવન સાથે હળવાથી મધ્યમ વરસાદ કે થંડરશાવર થવાની શક્યતા દર્શાવવામાં આવી છે.

અમદાવાદ સહિત રાજ્યના બાકીના વિસ્તારોમાં હવામાન મુખ્યત્વે શુષ્ક રહેવાની સંભાવના છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 34.8 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 22.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. જ્યારે સમગ્ર રાજ્યમાં સૌથી વધુ મહત્તમ તાપમાન સુરેન્દ્રનગરમાં 35.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.