રાજ્યમાંથી નૈઋત્યનું ચોમાસું હવે વિદાય લેવાની તૈયારીમાં છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી બે થી ચાર દિવસમાં ગુજરાતમાંથી ચોમાસાના વિદાયની શરૂઆત થશે. પશ્ચિમ રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે, અને આગામી ત્રણથી ચાર દિવસમાં કચ્છ-સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાંથી પણ ચોમાસું વિદાય લઈ શકે છે.
જો કે, લો પ્રેશર અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં આગામી સાત દિવસ દરમિયાન રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. સાત દિવસમાંથી પ્રથમ બે દિવસ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પવન સાથે વરસાદ પડી શકે છે. અમદાવાદમાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવો વરસાદ વરસી શકે છે.
હવામાન વિભાગના આંકડા પ્રમાણે, આ ચોમાસાની સિઝનમાં રાજ્યમાં સામાન્ય કરતાં આઠ ટકા ઓછો વરસાદ થયો છે. કચ્છ-સૌરાષ્ટ્રમાં તો સામાન્ય કરતાં 22 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. જો કે, સપ્ટેમ્બર મહિનામાં સામાન્ય કરતાં 35 ટકા વધુ વરસાદ થયો છે, જે સિઝનના અંતે વરસાદમાં વધારો દર્શાવે છે.