સત્ય. સાહસ. સંકલ્પ.

ગુજરાતમાં ચોમાસું નબળું: 70% પાક સંકટમાં, ખેડૂતો ચિંતિત

ગુજરાતમાં ચોમાસું નબળું: 70% પાક સંકટમાં, ખેડૂતો ચિંતિત

ગુજરાતમાં ચોમાસાની સીઝન નબળી પડી છે. ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં વરસાદ ખેંચાતાં રાજ્યના લગભગ 70 ટકા ઉભા પાક પર ગંભીર સંકટ ઊભું થયું છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પરિસ્થિતિ ગંભીર બની છે.

રાજ્યમાં 7 સપ્ટેમ્બર સુધીમાં 81.43 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે, જે સામાન્ય વાવેતરના 95.64 ટકા છે. છતાં, છેલ્લા એક મહિનાથી વરસાદ ન પડવાને કારણે ખેડૂતોને સિંચાઈ માટે અન્ય સ્ત્રોતો પર આધાર રાખવો પડી રહ્યો છે.

સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં સિઝનના 56 ટકા અને કચ્છમાં માત્ર 29 ટકા વરસાદ નોંધાયો છે. કચ્છમાં સૌથી ઓછું 71 ટકા વાવેતર થયું છે. ગત વર્ષે 83.04 લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું, જે આ વર્ષે ઘટીને 81.43 લાખ હેક્ટર થયું છે. મુખ્ય પાકોમાં ડાંગર 9.17 લાખ, મગફળી 20.69 લાખ, કપાસ 21.48 લાખ, સોયાબીન 3.04 લાખ અને દિવેલા 5.70 લાખ હેક્ટરમાં વવાયા છે.

જો આગામી દિવસોમાં વરસાદ નહીં પડે તો ખેતી ક્ષેત્રે મોટું આર્થિક નુકસાન થવાની ભીતિ છે. સિંચાઈના વિકલ્પો મર્યાદિત હોવાથી હાલ પાક બચાવવા માટે માત્ર કુદરતી મેઘમહેર પર જ આધાર છે.