ગાંધીનગર: રાજ્યમાં ચાલુ ચોમાસાની સિઝનમાં સરેરાશ કરતાં 18% ઓછો વરસાદ નોંધાયો છે. સૌથી વધુ ઘટ સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં જોવા મળી છે, જ્યાં સામાન્ય કરતાં 38% ઓછો વરસાદ પડ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી સાત દિવસમાં રાજ્યમાં ક્યાંય ભારે વરસાદની શક્યતા નથી, પરંતુ હળવાથી મધ્યમ વરસાદ કે છાંટા પડી શકે છે.
દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, નર્મદા અને છોટાઉદેપુરમાં કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદી ઝાપટાં પડી શકે છે. હવામાન વિભાગે હાલ કોઈ ખાસ ચેતવણી આપી નથી.
અમદાવાદ શહેરમાં આ સિઝનમાં અત્યાર સુધી 541.4 મિમી વરસાદ નોંધાયો છે, જે સામાન્ય કરતાં 4% થી 8% ઓછો છે. આગામી દિવસોમાં શહેર અને આસપાસના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને હળવો વરસાદ પડી શકે છે. ગઈકાલે શહેરનું મહત્તમ તાપમાન 32.5 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 25.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.