સત્ય. સાહસ. સંકલ્પ.

ગુજરાતમાં ચાર દિવસમાં સિઝનનો 10% વરસાદ, કચ્છમાં હજુ 50% ઘટ

ગુજરાતમાં ચાર દિવસમાં સિઝનનો 10% વરસાદ, કચ્છમાં હજુ 50% ઘટ

ગુજરાતમાં છેલ્લા ચાર દિવસમાં ચોમાસાની આ સિઝનનો 10 ટકા જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. આ સાથે રાજ્યમાં આ સિઝનમાં અત્યાર સુધીમાં સરેરાશ 85 ટકા, એટલે કે 30.20 ઇંચ વરસાદ નોંધાયો છે. હજુ 15 ટકા ઘટ છે અને 16 તાલુકા એવા છે જ્યાં 10 ઇંચથી પણ ઓછો વરસાદ વરસ્યો છે.

મંગળવારે રાજ્યના 100 જેટલા તાલુકામાં વરસાદ પડ્યો હતો. તેમાં કચ્છના માંડવીમાં સૌથી વધુ 7 ઇંચ વરસાદ વરસ્યો હતો, જેમાં બે કલાકમાં જ પાંચ ઇંચ વરસાદ પડ્યો હતો. આ સાથે માંડવીમાં સિઝનનો સરેરાશ વરસાદ 20 ટકા થયો છે. કચ્છમાં અન્યત્ર અબડાસામાં 2.15 ઇંચ, મુન્દ્રામાં 1.60 ઇંચ તથા નખત્રાણા અને ભુજમાં 1.50 ઇંચ વરસાદ નોંધાયો હતો. કચ્છમાં હજુ સુધી સિઝનનો સરેરાશ 48.62 ટકા વરસાદ નોંધાયો છે, જેમાંથી 19 ટકા વરસાદ તો છેલ્લા ચાર દિવસમાં જ પડ્યો છે.

જાણકારોના મતે ગુજરાતમાં 19 સપ્ટેમ્બર આસપાસ ચોમાસું વિદાય લેવાની શક્યતા છે. દક્ષિણ-પશ્ચિમનું ચોમાસું કેરળથી પ્રવેશે છે અને કચ્છ-રાજસ્થાનથી વિદાય લે છે. હાલ કચ્છ ઉપર વરસાદી સિસ્ટમ સક્રિય છે, જ્યારે રાજસ્થાનના પશ્ચિમ ભાગથી ચોમાસાની વિદાય ચાર દિવસ બાદ શરૂ થશે.

આવતીકાલથી ગુજરાતમાં વરસાદી ગતિવિધિ ઘટશે અને અલ નીનોની અસર હેઠળ ભાદરવી તડકો શરૂ થશે. ઓક્ટોબરમાં અરબી સમુદ્રમાં વાવાઝોડાની ભારે વરસાદ લાવતી સિસ્ટમ રચાતી હોય છે, જે આ વખતે પણ શક્ય છે. જો તેમ થાય તો નવરાત્રિ આસપાસ ફરી વરસાદ પડવાની સંભાવના છે.