સત્ય. સાહસ. સંકલ્પ.

ગુજરાતમાં જન્માષ્ટમીથી 20 સપ્ટેમ્બર સુધી વરસાદની આગાહી

ગુજરાતમાં જન્માષ્ટમીથી 20 સપ્ટેમ્બર સુધી વરસાદની આગાહી

જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આજે ગુજરાતમાં જન્માષ્ટમીથી 20 સપ્ટેમ્બર સુધી રાજ્યના વિવિધ ભાગોમાં હળવાથી ભારે વરસાદ થવાની આગાહી કરી છે. પવનની ગતિ અને બંગાળની ખાડીની સિસ્ટમના કારણે દક્ષિણ, મધ્ય, સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાશે, જેનાથી ખેડૂતો અને સામાન્ય જનતાને રાહત મળવાની શક્યતા છે.

અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, આજે જન્માષ્ટમીના દિવસે બપોર પછી આકાશમાં વાદળો ઘેરાશે અને કેટલાક ભાગોમાં ઝાપટાં કે હળવો વરસાદ પડી શકે છે. ત્યારબાદ 6 થી 10 સપ્ટેમ્બર દરમિયાન ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પંચમહાલ, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. પવનની ઝડપના કારણે ક્યાંક એક ઇંચ જેટલો વરસાદ નોંધાઈ શકે છે.

તેમણે ઉમેર્યું કે, 10 સપ્ટેમ્બરની આસપાસ બંગાળના ઉપસાગરમાં એક મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થવાની સંભાવના છે. જો અલ નીનોની પ્રતિકૂળ અસર નહીં વર્તાય, તો મધ્ય ગુજરાતના વડોદરા અને આણંદ જિલ્લાના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે, કેટલાક સ્થળે 3 ઇંચથી વધુ વરસાદ થવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં 5 ઇંચ કે તેથી વધુ વરસાદ થઈ શકે છે. સૌરાષ્ટ્રના દ્વારકા, પોરબંદર, જામનગર તેમજ કચ્છ અને ગાંધીધામના વિસ્તારોમાં પણ સારો વરસાદ થવાના સંકેતો છે.

એકંદરે 20 સપ્ટેમ્બર સુધી રાજ્યના અનેક ભાગોમાં સારા વરસાદની શક્યતા છે. આ વરસાદ કૃષિ પાક માટે ફાયદાકારક સાબિત થશે અને જળાશયોમાં પાણીની આવક વધારશે. હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની આ આગાહીથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.